/connect-gujarat/media/post_banners/26f71b92893cae611aefa3bd10a5178f30d5116dcd2e11ce86b2cc209c8e00e4.jpg)
વધતી જતી મોંઘવારીના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ આસામ પોલીસ દ્વારા જીગ્નેશ મેવાણીની કરાયેલી ધરપકડને પણ કોંગ્રેસના આગેવાનોએ તદ્દન વાહિયાત ગણાવી હતી.
દેશમાં વધતી જતી મોંઘવારી એ સૌથી મોટી સૌથી ગંભીર સમસ્યા છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. અનાજ, કઠોળ, શાકભાજી જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવોમાં થતા બેફામ વધારાથી આજે સામાન્ય માનવીઓ ખૂબ પરેશાન છે, ત્યારે મોંઘવારીએ મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણના વિરોધ સાથે કોંગી કાર્યકરો મેદાને આવ્યા છે. સાથે જ સરકારી નોકરીઓમાં વારંવાર ગેરરીતી તેમજ પેપર લીક કાંડનો પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત આસામ પોલીસ દ્વારા જીગ્નેશ મેવાણીની કરાયેલી ધરપકડને પણ કોંગ્રેસના આગેવાનોએ તદ્દન વાહિયાત ગણાવી હતી. ભાજપ સરકારે બ્રિટિશ રાજ્યની યાદ તાજી કરી હોય તેવો પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.