વડોદરા શહેરના માણેજા ક્રોસિંગ નજીક નશાખોર યુવકે રોંગ સાઇડમાં કાર ચલાવી અનેક વાહનોને ઉલાળ્યા હતા, તેમજ ટક્કર મારતા 4 રાહદારી ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાના પગલે લોકોના ટોળાંએ યુવકને મેથીપાક ચખાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, વડોદરાના માણેજા ક્રોસિંગ પાસે ગત રાત્રીના સમયે નશામાં ધૂત એક યુવકે રોંગ સાઇડમાં કાર ચલાવીને અનેક વાહનોને ઉલાળ્યા હતા, તેમજ 4 રાહદારીને ટક્કર મારતા ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. કારચાલકની આ હરકતના કારણે ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઘટનાના પગલે લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા, અને નશાખોર યુવકને મેથીપાક ચખાડ્યો હતો. જેમાં લોકોએ માર મારતા યુવકના કપડાં પણ ફાટી ગયા હતા. બનાવની જાણ થતાં જ મકરપુરા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવી યુવકની ધરપકડ સાથે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે, જેમાં જોવા મળે છે કે, સ્ટીયરિંગ પર કાબૂ ન રહેતા કાર ડિવાઇડર પર ચડાવી દીધી હતી. બાદમાં કાર રિવર્સ લઇ રોંગ સાઈડમાં જ બેફામ દોડાવી હતી. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને યુવકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પોલીસે તેનું નામ પૂછતાં પોતાનું નામ વૈશ મહંમદ સફીક પઠાણ હોવાનું જણાવ્યું હતું. આ યુવક લથડિયાં ખાતો હતો, અને બકવાસ કરી રહ્યો હતો. તેમજ તેના મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું જોવા મળ્યું હતું.