સુવિધાઓથી સજ્જ સરકારી શાળા
શાળા શિક્ષણ ક્ષેત્રે દીવાદાંડી સમાન
ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ ટેક્નોલોજીથી સજ્જ
1700 વિદ્યાર્થીઓ નિઃશુલ્ક મેળવે છે શિક્ષણ
સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબની સુવિધાઓ પણ છે ઉપલબ્ધ
વડોદરાની ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ શિક્ષણ ક્ષેત્રે દીવાદાંડી સમાન બની છે,શાળામાં નિઃશુલ્ક રીતે બાળકોને આધુનિક ટેક્નોલોજીથી શિક્ષણનું ભાથું પીરસવામાં આવે છે.અને વાલીઓ માટે પણ આ શાળા પહેલી પસંદ બની છે.
સરકારી શાળા વિશે સામાન્યપણે જનમાનસમાં નકારાત્મક છાપ જોવા મળે છે. આ છબીને કારણે ઘણા વાલીઓ મજબૂરીમાં પોતાના બાળકોને ખાનગી શાળામાં મોકલે છે. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે રાજ્યમાં એવી સંખ્યાબંધ શાળાઓ છે , જે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે છે અને તે પણ વિના મૂલ્યે. વડોદરાની ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ શિક્ષણ ક્ષેત્રે દીવાદાંડી સમાન છે. આ શાળામાં કોઈપણ ફી કે વધારાના ખર્ચ વિના બાળકોને આધુનિક ટેકનોલોજીથી શિક્ષણ આપવામાં આવે છે.શાળામાં 1700થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે.તેમજ સ્માર્ટ ક્લાસ અને બે કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ પણ છે.
શાળામાં શિક્ષણની ગુણવત્તાની સાથે શિસ્ત અને સ્વચ્છતાનું પણ પૂરું ધ્યાન રખાય છે. શાળાના શિક્ષકો બાળકો ઉત્તમ નાગરિક બને તેની કાળજી લે છે. આસપાસના વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવે છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળામાં રમત-ગમતના સાધનોની કોઈ ઉણપ નથી. કદાચ, આ શાળાનું મેદાન સમગ્ર વડોદરામાં સૌથી મોટું હશે. ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા છે. સરકારી યોજના 'સરસ્વતી સાધના યોજના' અંતર્ગત લગભગ 170 સાઇકલોનું વિતરણ પણ વિદ્યાર્થીનીઓને કરવામાં આવ્યું છે.
આ શાળામાં વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. તેના ભાગરૂપે, અહીં સરકાર દ્વારા નિયુક્ત પ્રશિક્ષકો દ્વારા વોકેશનલ કોર્સિસ ચલાવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક હાર્ડવેર અને વિદ્યાર્થીનીઓને હેલ્થકેર કોર્સની તાલીમ મળે છે. આ માટે બોર્ડ દ્વારા લેબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ આજે એક એવી મિસાલ બની છે, જ્યાં સક્ષમ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો આધુનિક જ્ઞાન અને કૌશલ્ય મેળવીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે.