/connect-gujarat/media/post_banners/21fc30a40ff38939562c10a80260ec1555065ba8974763687673b0a73ec1ada8.jpg)
દાસના દાસ... પુજય હરિપ્રસાદ સ્વામી સદેહ આપણી વચ્ચે રહયાં નથી. તેમના નશ્વર દેહને સોખડાના હરિધામ ખાતે રાખવામાં આવ્યો છે અને દેશભરમાંથી હરિભકતો તેમના પ્રિય સ્વામીના અંતિમ દર્શન માટે આવી રહયાં છે.
હરિધામ સોખડાના અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા છે. હરિધામ સોખડામાં જ્યાં જુઓ ત્યાં માત્ર હરિભક્તો જ દેખાય છે. હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના છેલ્લી વાર દર્શન કરવા હરિભક્તોએ સ્વામીનારાયણ મંદિરથી સોખડા ગામ સુધી 2 કિમી લાંબી લાઇનો લગાવી દીધી છે. મંદિરના અનુયાયીઓએ રોડની બાજુમાં શિસ્તબદ્ધ રીતે ઊભા રહીને હરિભક્તો દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરી હતી.
હરિભક્તોએ આંસુઓની સરવાણી સાથે સતત સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરી સ્વામીજીના દર્શન કર્યાં હતા. 28 જુલાઇથી 31 જુલાઈ સુધી મંદિર પ્રાંગણમાં જ હરિપ્રસાદ સ્વામીજીના ભક્તો અંતિમ દર્શન કરી શકશે. અક્ષર દેરી સામેના લીમડા વન ખાતે 1 ઓગસ્ટના રોજ બપોરે 2:30 કલાકે તેમના પાર્થિવદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દીલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા ગુરૂવારના રોજ હરિધામ સોખડા ખાતે આવી રહયાં છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના રાજકીય આગેવાનો પણ સ્વામીજીના અંતિમ દર્શન માટે આવી રહયાં છે. સ્વામીજીની વિદાય બાદ હરિભકતો શોકાતુર બની ગયાં છે.