Connect Gujarat
વડોદરા 

વડોદરા : સયાજીપુરાના સરકારી આવાસમાં પોપડા ખરતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો...

લોકોને સસ્તા અને સારા મકાનો મળે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા હતા.

X

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડોદરાના સયાજીપુરા પાણીની ટાંકી બાજુમાં વિનાયક રેસિડેન્સીના LIG ટાઈપના આઈ’ ટાવરના એક આવાસના સ્લેબના પોપડા ખરતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

લોકોને સસ્તા અને સારા મકાનો મળે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા હતા. પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે આ આવાસોની અંદર ક્યાંક ને ક્યાંક પોપડા ખરી પડે છે, જ્યાં પીવાના પાણીની સમસ્યા છે, ડ્રેનેજની સમસ્યા છે, કોમન પ્લોટ બનાવી નથી આપ્યા, ધાબામાંથી પાણી ગળે છે. આવી અનેક સમસ્યાઓથી આવાસમાં લાભાર્થીઓ હેરાન પરેશાન છે. તેવામાં સયાજીપુરામાં 2017માં આવાસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે જ આવાસોમાં 53/2 ખાતે આવેલ વિનાયક રેસીડેન્સીનો આઈ’ બ્લોકના 101 નંબરના આવાસમાંથી રાત્રે 12:00 વાગે સ્લેબના પોપડા ખરી પડ્યા હતા. ઘણો મોટો ભાગ પોપડાથી તૂટી પડ્યો હતો. જોકે, અકસ્માતે કોઈ જાનહાની થઈ નથી. એક બાજુ સરકાર ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને ભ્રષ્ટાચાર નહિ કરવાની વાતો સમજાવે છે, ત્યારે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર આચરી ગુણવત્તા વગરના આવાસો બનાવીને જનતાના જીવ જોખમમાં મુકી રહ્યા છે, તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ તમામ આવાસોનું જો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થયું હોય તેમ છતાં પણ આવા સ્લેબના પોપડા વારંવાર ખરતા હોય તો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર એજન્સીએ પણ ભ્રષ્ટાચાર કર્યો છે, તેવું અહીંયા ફલિત થાય છે. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં તમામ પ્રધાનમંત્રી/મુખ્યમંત્રી આવાસોમાં પડતી મુશ્કેલીઓ બાબતે તેમજ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરનાર તમામ સમક્ષ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરીને વિજીલન્સ તપાસ કરવાની માંગ કરવામાં આવશે.

Next Story