Connect Gujarat
વડોદરા 

વડોદરા : કુબેર ભવન કચેરીમાં પાણીના કકળાટ બાદ સફાઈનો અભાવ, અરજદારોમાં રોષ...

હજારો અરજદારો અને ઉચ્ચ અધિકારીઓની અવરજવરથી સતત ધમધમતી વડોદરાની કુબેર ભવન કચેરીમાં પાણીના કકળાટ બાદ સફાઈનો અભાવ સામે આવ્યો છે.

X

હજારો અરજદારો અને ઉચ્ચ અધિકારીઓની અવરજવરથી સતત ધમધમતી વડોદરાની કુબેર ભવન કચેરીમાં પાણીના કકળાટ બાદ સફાઈનો અભાવ સામે આવ્યો છે. સરકારી કચેરીઓમાં જ આ પરિસ્થિતિ હોવાથી અહી આવતા અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

તાજેતરમાં વડોદરાની કુબેર ભવન કચેરી ખાતે પાણીનો કકળાટ સામે આવ્યો હતો. હજારો અરજદારોની અવરજવરથી ધમધમતી સરકારી કચેરીમાં પાણીના ધાંધિયા સામે તંત્રના આયોજન સામે સવાલો ઊભા થયા હતા. હજુ તો આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, ત્યાં ઉભરાતી ડ્રેનેજ લાઈન અને ગંદકીએ તંત્રના સ્વચ્છતા અભિયાનની પોલ ખોલી નાખી છે. જાગૃત નાગરિકોએ તંત્રની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, કુબેર ભવન કચેરી ખાતે હજારો અરજદારો વચ્ચે ઉચ્ચ અધિકારીઓ પ્રતિદિન પોતાની એસી કેબીનોમાં આરામ ફરમાવતા હોય છે. તેમની ઓફિસોની નીચે જ ગંદકીના ઢગલા સાથે તીવ્ર દુર્ગંધ ફેલાય છે.

તેની પાછળનું કારણ ઉભરાતી ડ્રેનેજ, પીવાના પાણીની લાઈનમાં લિકેઝ અને સ્વચ્છતાનો અભાવ છે. નવાઈની વાત તો એ છે કે, કુબેર ભવન કચેરી ખાતે ઉભરાતી ડ્રેનેજના દૂષિત પાણીનો રેલો છેક પોસ્ટ કચેરી સુધી પહોંચ્યો હતો. આ અંગે તંત્રની સાથે પીડબલ્યુડીની બેદરકારી છતી થઈ છે. સ્વચ્છતાની મોટી વાતો કરી મોટુ ભંડોળ મેળવતા પદાધિકારીઓએ સૌપ્રથમ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવી જોઈએ. તો બીજી તરફ વડોદરા શહેરની સરકારી કચેરીઓમાં જ આ પરિસ્થિતિ હોવાથી અહી આવતા અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Next Story