વડોદરા : ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં, અધિકારીઓને કહયું 14મું રતન યાદ કરાવી દઇશ

પાદરા ખાતેના કાર્યક્રમમાં મધુ શ્રીવાસ્તવ રહયાં હાજર, લોકોનું કામ નહિ કરતાં અધિકારીઓને આપી ધમકી.

New Update
વડોદરા : ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં, અધિકારીઓને કહયું 14મું રતન યાદ કરાવી દઇશ

વાઘોડીયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમની દબંગાઇ માટે જાણીતા છે ત્યારે હવે તેમણે અધિકારીઓને ધમકી આપી છે. પાદરા ખાતેના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, જે અધિકારીઓ લોકોનું કામ નહિ કરે તેમને 14મુ રતન યાદ કરાવી દઇશ.

વાઘોડીયા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને તમે સૌ ઓળખતા જ હશો. માથા પર ટોપી લગાવીને ફરતાં ભાજપના આ ધારાસભ્ય તેમની દબંગાઇ માટે જાણીતા છે. વડોદરા મહાનગરપાલિકાની ચુંટણી વખતે તેમણે એક પત્રકારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આવો નજર કરીએ થોડા મહિનાઓ પહેલા બનેલી તે ઘટના પર.

વડોદરામાં પત્રકારને ધમકી આપવાની ઘટના બાદ લોકશાહીની ચોથી જાગીર સમાન પત્રકારોએ મધુ શ્રીવાસ્તવ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે ભાજપના શહેર અધ્યક્ષ ડૉ. વિજય શાહને આવેદનપત્ર આપ્યું હતું પણ ભાજપનું મોવડીમંડળ પણ મધુ શ્રીવાસ્તવનો કોલર પકડી શકયું નથી. રાજયમાં વિજય રૂપાણીના શાસનના પાંચ વર્ષ પુર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે મંગળવારે પાદરામાં અન્ન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાદરાના પ્રમુખ સ્વામી ટાઉનહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મધુ શ્રીવાસ્તવને પાનો ચઢયો હતો અને તેઓ અધિકારીઓને જ ધમકી આપી બેઠા હતાં.

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ભુતકાળમાં અનેક વખત અધિકારીઓ તથા પત્રકારોને ધમકીઓ આપી ચુકયાં છે પણ ભાજપ કે પોલીસ વિભાગ તેમનો વાળ પણ વાંકો કરી શકતું નથી. હવે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીના પડધમ વાગી રહયાં છે ત્યારે ભાજપના મોવડી મંડળને પણ મધુ શ્રીવાસ્તવની નારાજગી પોષાય તેમ નથી.

Latest Stories