શહેરમાંથી હાલ ઓસરી ગયા છે પૂરના પાણી
અનેક પૂરગ્રસ્તોને કેશડોલની સહાય નથી મળી
વોર્ડ નં. 5ના સ્થાનિકોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ
નગરસેવક અને ધારાસભ્યનો ઘેરાવો કરાયો
ભારે હોબાળો મચાવી સહાય ચૂકવવા માંગ કરી
વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરી ગયા હોવા છતાં અનેક અસરગ્રસ્તોને હજુ સુધી કેશડોલ સહાય મળી નથી, ત્યારે શહેરના વોર્ડ નં. 5ના સ્થાનિકોએ નગરસેવક નૈતિક શાહ અને ધારાસભ્ય મનીષા વકીલનો ઘેરાવો કરી ભારે હોબાળો મચાવ્યો હતો.
તાજેતરમાં જ વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવ્યું હતું. પૂરના કારણે નદી કિનારે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે નુકશાન પહોંચ્યું હતું. સરકાર દ્વારા અસરગ્રસ્તોને નિયમ મુજબ કેશડોલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ વોર્ડ નં. 5ના વિવિધ વિસ્તારમાં આજદિન સુધી કેશડોલ સહાય ન મળતા લોકો રોષે ભરાય હોબાળો મચાવ્યો હતો. જેમાં વોર્ડ નં. 5ના નગરસેવક નૈતિક શાહ સર્વે માટે કિશનવાડી વિસ્તારમાં પહોચતા સ્થાનિકોએ તેઓનો ઘેરાવો કરી બળાપો ઠાલવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય મનીષા વકીલ પણ સ્થાનિકોના રોષનો ભોગ બન્યા હતા. આ સાથે જ અમુક જ વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં પૂરની પરિસ્થિતી બાદ હવે સર્વે મામલે ભાજપના નેતાઓ લોકોના રોષનો ભોગ બની રહ્યા છે.