Connect Gujarat
વડોદરા 

વડોદરા : મોટા ઉપાડે તળાવોની સફાઈ માટે મનપાએ કર્યો લાખો રૂપિયાનો ખર્ચ, છતાં ગંદકીનું સામ્રાજ્ય...

શહેરમાં તળાવોના બ્યુટિફિકેશન માટે કરોડો રૂપિયાનો ખર્ચ, સમા ગામના તળાવ સહિત વિવિધ તળાવોની થઈ દુર્દશા

X

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવોના બ્યુટિફિકેશન માટે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામા આવ્યો છે. પરંતુ શહેરના સમા ગામ નજીક આવેલ તળાવ સહિતના વિવિધ તળાવોની દુર્દશા થઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સમા, હરણી, વારસીયા અને તરસાલી સહિતના નાના મોટા તળાવોના બ્યુટિફિકેશન માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તળાવોના બ્યુટિફિકેશન માટે કોર્પોરેશન દ્વારા તળાવોની સફાઇ તેમજ તળાવોની ફરતે રેલિંગ, લાઇટિંગ, વોક-વે બનાવવા સહિતનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આ ખર્ચ બાદ તળાવો પ્રત્યે નિષ્કાળજી દાખવવામાં આવતા આ તળાવોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. સમા ગામ ખાતે આવેલ તળાવના બ્યુટિફિકેશન માટે પણ કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આ તળાવની યોગ્ય દેખરેખ ન રખાતા તળાવમાં જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે. જંગલી વનસ્પતિના કારણે તળાવ કિનારે વસતા લોકો દુર્ગંધના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા તળાવની સાફ સફાઈ કરવામાં ન આવતા તળાવના કિનારે રહેતા સમા ગામના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે તળાવની સાફ સફાઈ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ યોગ્ય સંભાળ રાખવામાં આવતી ન હોવાના કારણે લોકોના વેરાના પૈસા પાણીમાં જઈ રહ્યા છે. ગામ લોકોએ જણાવ્યું હતું કે, તળાવમાંથી સાપ જેવા જળચર પ્રાણીઓ ઘરમાં ઘુસી આવે છે. જો કોર્પોરેશન દ્વારા વહેલીતકે તળાવની સફાઇ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story