-
વડોદરામાં અસામાજિક તત્વો બન્યા બેખૌફ
-
ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર જીવલેણ હુમલો
-
સયાજી હોસ્પિટલમાં આરોપીએ તીક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો
-
પોલીસ જાપ્તામાં આવેલા આરોપીએ જ કરી હત્યા
-
આરોપી પાસે હથિયાર ક્યાંથી આવ્યું?બન્યો તપાસનો વિષય
-
વાતાવરણ વધુ તંગ બનતા પોલીસે ખડક્યો પોલીસ કાફલો
-
CCTVના આધારે પોલીસે શરૂ કરી તપાસ
વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર સયાજી હોસ્પિટલમાં જ આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો,પોલીસ ની હાજરીમાં જ યુવકને મોતને ઘાટ ઉતારી દેતા ભારે તંગદિલીનો માહોલ છવાઈ ગયો હતો.
વડોદરામાં રવિવારે રાત્રે નાગરવાડા ગોલવાડ વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પાસે બે કોમના યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વિક્રમ પરમાર ઉર્ફે વિકી તથા ભયલુ સહિત ત્રણ યુવક નાગરવાડા સરકારી સ્કૂલ નંબર 10 પાસે ઉભી રહેલી આમલેટની લારી પાસે પૈસાની ઉઘરાણી માટે પહોંચ્યા હતા. ત્યારે બાબર પઠાણ,મહેબૂબ અને વસીમ સહિત પાંચથી છ યુવકો સાથે અંગત અદાવત રાખી બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બંને કોમના ઈસમો ઈજાગ્રસ્ત થયા હતા.
હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા વિક્રમ અને ભયલુ નામના બે યુવકને નાગરવાડા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર, તેમના પુત્ર તપન પરમાર સહિત અન્ય યુવકો સયાજી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. બંનેની સારવાર ચાલતી હતી, આ દરમિયાન પોલીસ હુમલાખોર બાબરખાન પઠાણને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લઈને આવી પહોંચી હતી.સયાજી હોસ્પિટલની કેન્ટીન બહાર ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાનો પુત્ર તપન પરમાર ઉભો હતો. આ દરમિયાન અચાનક પોલીસ જાપ્તામાંથી નજર ચૂકવી બાબરે તીક્ષ્ણ હથિયાર વડે તપન પરમાર પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.પોલીસ જાપ્તામાં રહેલા આરોપી બાબરને હથિયાર કોણે આપ્યું તે બાબત પણ તપાસનો વિષય બની ગઈ હતી.સર્જાયેલી ઘટનાને પગલે ભારેલા અગ્નિ જેવો માહોલ બની ગયો હતો.જેના કારણે પોલીસ દ્વારા સ્થિતિ વધુ વણસે નહીં તે માટે લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
જ્યારે ઘટનાને પગલે કારેલીબાગ પોલીસ મથક ખાતે લોક ટોળા એકઠા થઇ ગયા હતા,અને ભારે હલ્લો મચાવ્યો હતો.