વડોદરા શહેરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અકસ્માતોમાં મૃત્યુ પામનારની સંખ્યા ઘટી છે. આ સંખ્યા 19 જેટલી ઘટી છે. વડોદરા પોલીસે 12 નવા બ્લેક સ્પોટ નક્કી કર્યા છે, જેના ઉપર સતર્કતા રાખવામાં આવી રહી છે.
વડોદરા શહેર તથા જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા સડક સુરક્ષા અભિયાન ચલાવવામાં આવે છે. જેના સુખદ પરિણામો હવે સામી આવી રહ્યા છે. વડોદરામાં વર્ષ 2023 ની સરખામણીએ વર્ષ 2024માં વાહન અકસ્માતમાં મૃત્યુની ઘટનામાં ઘટાડો નોંધાયો છે. વિતેલા વર્ષમાં વડોદરામાં ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી જ રહી હતી. પરંતુ વર્ષ 2023ની સરખામણીમાં ઘટાડો નોંધાયો છે.
જેના કારણે પોલીસ માટે આંશિક રાહતની વાત છે. અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતા સડક સુરક્ષાના અભિયાનના સારા પરિણામો હવે સપાટી પર આવી રહ્યા છે. આવનાર સમયમાં પોલીસ વિભાગ આ જ રીતે કામ કરે તો અકસ્માતની ઘટનામાં ઉત્તરોત્તર ઘટાડો થાય તો નવાઇ નહીં. વર્ષ 2023માં વાહન અકસ્માતના 455, ફેટલ 170, ગંભીર ઇજા 194 અને સામાન્ય ઇજાના 80 કેસ નોંધાયા હોવાનું સપાટી પર આવ્યું હતું.
જેની સરખામણીએ વર્ષ 2024માં વાહન અકસ્માતના 448, ફેટલ 151, ગંભીર ઇજા 220, અને સામાન્ય ઇજાના 77 કેસો નોંધાયા હોવાનું સપાટી પર આવ્યું છે. આ સાથે જ પોલીસ દ્વારા જાંબુઆ બ્રિજ, કપુરાઇ બ્રિજ, એપીએમસી માર્કેટની સામે, એરફોર્સ બ્રિજ, ગોલ્ડન ચોકડીની નીચે, કોટાલી ગામ જવાનો કટ, દેણા ચોકડી, દુમાડ ચોકડી તથા અન્ય વિસ્તારોમાં 12 જેટલા બ્લેક સ્પોટની ઓળખ કરવામાં આવી છે. એક જ જગ્યાએ જ્યારે 5 કરતા વધુ અકસ્માત નોંધાય છે, ત્યારે તે જગ્ચાની ઓળખ બ્લેક સ્પોટ તરીકે કરવામાં આવે છે.