વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની વિશ્વકુંજ સોસાયટીના પૂર અસરગ્રસ્તોએ શ્રીજી પંડાલમાં નગરસેવકોની પ્રવેશબંધીની થીમ આધારિત ડેકોરેશન કરી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે.
એક તરફ, વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરે ભારે તારાજી સર્જી હતી. તો બીજી તરફ, શહેર પૂરગ્રસ્ત થયા બાદ વહીવટી તંત્ર સામે લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારના વોર્ડ નં. 3માં આવેલી વિશ્વકુંજ સોસાયટીના પૂર અસરગ્રસ્ત રહીશોએ ગણેશ મહોત્સવ દરમ્યાન તંત્ર વિરુદ્ધ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે. શહેરમાં પૂરની પરિસ્થિતિને લઈ નાગરિકોમાં આજે પણ રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે વિશ્વકુંજ સોસાયટીના શ્રીજી પંડાલમાં સ્થાનિક નગરસેવકોના પ્રવેશબંધીની થીમ આધારિત ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ગણેશ પંડાલમાં વડોદરા શહેરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિના ફોટાઓ મુકવામાં આવ્યા છે. પૂરની પરિસ્થિતિમાં તદ્દન પાસે જ રહેતા કાઉન્સિલર રૂપલબેન અને ડો. રાજેશ શાહ પણ મદદે ન આવ્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, ધારાસભ્ય અને સાંસદો તો પછીની વાત છે. પરંતુ ચારેય ચાર કાઉન્સિલરો આ વિસ્તારમાં ફરક્યાં ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતું. વધુમાં સ્થાનિકોએ જણાવ્યુ હતું કે, અમારા બાળકોને ફૂડ પેકેટ તો નહીં, પરંતુ દૂધ અને પાણી વગર પણ ટળવળવું પડ્યું હતું.