Connect Gujarat
વડોદરા 

વડોદરા : શહેરના માર્ગો પર રખડતાં ઢોરોનો અડિંગો, સામાન્યસભામાં ઉછળ્યો મુદ્દો

X

વડોદરાના શહેરીજનોને રખડતા ઢોરોના કારણે અકસ્માતોની ચિંતા સતાવી રહી છે ત્યારે મહાનગરપાલિકાની સામાન્યસભામાં વિપક્ષના સભ્ય જહા ભરવાડે ઢોરોનો મુદ્દો ઉઠાવી રાત્રિના 12 વાગ્યા પછી ઢોરોનું ટેગિંગ કરવાનું બંધ રખાય તેવી માંગણી કરી છે.

ગુજરાતનું કોઇ પણ શહેર હોય તમને રસ્તા પર અડિંગો જમાવી બેઠેલા પશુઓ અવશ્ય જોવા મળશે. ભરૂચ, વડોદરા, સુરત, અમદાવાદ સહિત કોઇ પણ શહેરના લોકો રખડતાં ઢોરોના કારણે પરેશાન છે. સંસ્કારી નગરી વડોદરાની વાત કરવામાં આવે તો ગાજરાવાડી, ખોડીયાર નગર, સરદાર એસ્ટેટ, નવાયાર્ડ, માંજલપુર સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગ ઉપર જાણે પાંજરાપોળ હોય તેવા દ્રશ્યો છતાં થયા છે. હાલ વડોદરામાં દિવાળીની ખરીદી માટે માનવ મહેરામણ ઉમટી રહયું છે ત્યારે રખડતા ઢોરોના કારણે અકસ્માત થવાની શકયતાઓ વધી છે. રખડતા ઢોરોના કારણે વાહનચાલકો અને દુકાનમાલિકો પણ સતત ભયના ઓથાર હેઠળ રહેતાં હોય છે..

ગુજરાત પ્રદેશ અધ્યક્ષે રાજયને ઢોરમુકત બનાવવા હાકલ કરી છે ત્યારે વડોદરા મહાનગર પાલિકાના ભાજપ સત્તાધીશોએ પણ 15 દિવસમાં રખડતા ઢોરોને દુર કરી દેવાની જાહેરાત કરી છે પણ હજી સ્થિતિમાં કોઇ સુધારો આવ્યો નથી. આજે પણ તમને મુખ્ય માર્ગો પર લટાર મારતાં કે પછી અડીંગો જમાવીને બેઠેલા પશુઓ જોવા મળી જ જશે. પ્રથમવાર ગાય કે ઢોર પકડાયા તો 6 હજાર, બીજીવાર ઢોર પકડાય તો 11 હજારનો દંડ અને ત્રીજી વખત ઢોર પકડાય તો પશુપાલકને પાસા કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત મહા નગર પાલિકા છેલ્લા કેટલાય વર્ષો આર.એફ.આઇ.ડી. ટેગીંગ ૫ણ કરી રહી છે, પરંતુ આશરે 25% થી 30% એટલે કે 6,000 જેટલા પશુઓનુ આરએફઆઇડી ટેગિંગ બાકી છે. પશુપાલક દ્વારા ઢોરનું આર.એફ.આઇ.ડી ટેગિંગ કરાવવામાં નહીં આવ્યું હોય તો તે ઢોરને છોડવામાં નહીં આવે તેવો પણ નિર્ણય લીધો હતો.

વડોદરા મહાનગરપાલિકાની સામાન્યસભામાં વિપક્ષના સભ્ય જહા ભરવાડે રખડતાં ઢોરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે રજુઆત કરી હતી કે, અમે મેયર ના નિર્ણય ની સાથે છે પરંતુ રાત્રિના બાર વાગ્યા પછી ઢોર પકડવાનો જે સમય છે તે ન હોવો જોઈએ કેમકે રાત્રિના 12 વાગ્યા પછી તો આમ પણ કરફ્યુ હોય છે. શહેરમાં જેથી સડકો પર આમ પણ કોઈ અવર જવર રહેતી નથી.ગૌ પાલકોને યોગ્ય જગ્યા ફાળવવામાં આવે જેથી ઢોરોને ત્યાં રાખી શકાય.અને ગૌ પાલકો પર પાસાની કાર્યવાહી કરવાની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે તે અયોગ્ય છે.

જહાં ભરવાડ ની રજુઆત નો જવાબ આપતા મેયર એ જણાવ્યું હતું કે અમને ગૌ પાલકોની સાથે સાથે નાગરિકોની પણ ચિંતા છે અને જે નિર્ણય લેવામાં આવ્યો છે તે મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે અને જે મુદત આપવામાં આવી છે એના પછી કોઈ પણ ઢોર ટેગીગ વિનાનું ઝડપાશે તો એને છોડવામાં નહીં આવે.

Next Story