વડોદરા : ટેન્કર-ટ્રક સામસામે ટક્કર થતાં આગ ભભૂકી ઉઠી, ડ્રાઈવર અને ક્લિનર સહિત 3 ના મોત
વડોદરાના પાદરા-જંબુસર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં છે.

વડોદરાના પાદરા-જંબુસર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં છે. આ બનાવે પંથકમાં ચકચાર જગાવી છે. હાલ વડુ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે પાદરા-જંબુસર રોડ પર આવેલા આભોર ગામ નજીક ટ્રક અને ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે ટ્રક અને ટેન્કર પ્રચંડ ધડાકા સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ ટેન્કર અને ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભયાનક હતી કે બંને ટ્રકના ડ્રાઈવર અને એક ક્લિનર પોતાનો જીવ બચાવી શક્યા ન હતા અને આગની પ્રચંડ જ્વાળાઓમાં લપેટાઇ ગયા હતા. ગોઝારી ઘટનામાં ત્રણેય બળીને ભડથું થઈ ગયા હતા. આ બનાવને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. તો આ અંગેની જાણ થતાંની સાથે જ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ અકસ્માત સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમે પાણીમારો ચલાવને આગ બુઝાવી દીધી હતી, જે બાદ ટ્રક અને ટેન્કરમાંથી ડ્રાઈવર અને ચાલકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.