વડોદરા : ડભોઇમાં થયેલ યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમસંબંધમાં બનેવીએ જ કરી હતી સાળીની હત્યા

પ્રેમસંબંધમાં બનેવીએ જ પોતાની સાળીની હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે હત્યારા બનેવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
વડોદરા : ડભોઇમાં થયેલ યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમસંબંધમાં બનેવીએ જ કરી હતી સાળીની હત્યા

વડોદરા જિલ્લાના ડભોઇમાંથી એક યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રેમસંબંધમાં બનેવીએ જ પોતાની સાળીની હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે હત્યારા બનેવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના ડભોઇમાં પ્રેમસંબંધમાં બનેવીએ પોતાની 19 વર્ષીય સાળીને ખેતરમાં ચોરીછુપીથી બોલાવી હતી, જ્યાં તેનું ગળું દબાવી તેમજ ઓઢણીથી ટુંપો દઈ તેની હત્યા કરી નાખી હતી. ઉલ્લેખનિય છે કે, મૃતકની લાશ ગત તા. 25 માર્ચના રોજ મંડાળા ગામના ખેતરમાંથી મળી આવી હતી. હત્યાના બનાવના પગલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ અંગે એલસીબી અને એસઓજી પોલીસે મૃતકના સ્વજનોની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં મૃતક યુવતીના બનેવી મુકેશ ડુંગરાભીલની પૂછપરછ કરતાં 7 મહિના અગાઉ તે પોતાની પત્ની અને સાસુ-સસરા સાથે મંડાળા ગામની સીમના ખેતરમાં ખેતીકામ માટે ગયા હતા,

જ્યારે 3 મહિના બાદ વધુ માણસોની જરૂર હોવાથી તેના સસરાની બીજી 2 દીકરીઓને પણ ખેતીકામ માટે બોલાવી હતી. આ દરમિયાન મૃત્યુ પામનાર યુવતી અને મુકેશ વચ્ચે પ્રેમસંબંધ બંધાતા યુવતીને ગર્ભ રહી ગયો હતો. જેથી યુવતી તેના બનેવી મુકેશને અવાર-નવાર લગ્ન કરવાનું જણાવતી અને જો, લગ્ન નહીં કરે તો પિતાને જણાવી દઈશ તેમ કહેતાં બન્ને વચ્ચે ઝઘડો થતો હતો. જોકે, સાળી દ્વારા વારંવાર ધમકી આપતાં બનેવીએ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, ત્યારે હાલ તો પોલીસે હત્યારા બનેવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.