Connect Gujarat
ગુજરાત

વાગરાના છ ગામોમાં વીજકંપનીએ સપાટો બોલાવતાં વીજચોરોમાં ફફડાટ

વાગરાના છ ગામોમાં વીજકંપનીએ સપાટો બોલાવતાં વીજચોરોમાં ફફડાટ
X

ગેરકાયદે વીજવપરાશ કરતા લોકોને ઠંડીમાં પરસેવો છૂટયો, ૭૫ ગેરકાયદે વિજ જોડાણ પકડાયા.

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં છ જેટલા ગામોમાં વીજ વિભાગે આજરોજ દરોડા પાડતાં ગ્રામજનોમાં નાશભાગ મચી હતી. અનેક ગેરકાયદે કનેક્શનો ઝડપી પાડવામાં વિજ કર્મીઓને સફળતા મળી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિજ ચેકીંગ હાથ ધરાયુ હતુ. વિજીલન્સે લાખોની વીજચોરી પકડી દંડનીય કાર્યવાહી હાથધરી હતી.

વાગરા તાલુકામાં આવેલ ચાંચવેલ,સલાદરા, અરગામા,મુલેર,વોરાસમની અને ઓચ્છણ ગામે લોકો ભર નિંદ્રામાં હતા. તેવામાં વીજ વિભાગની ટુકડીઓ જંગી વાહનોના કાફલા સાથે વહેલી સવારે ત્રાટકી હતી. ડી.જી.વી.સી.એલ.દ્વારા વિજ ચેકીંગ હાથધરાયુ હોવાની લોકોને ખબર પડતા અન્ય ગામોમાં પણ વીજચોરી કરનારાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામમાં વીજ વિભાગની ટીમોની માહિતિ મળતા ગામલોકો એકત્ર થઈ ગયા હતા. તો ખોટીરીતે વિજળીનો ઉપયોગ કરતા લોકોને શિયાળાની ગાત્રો થિજાવી દે એવી ઠંડીમાં પણ રીતસરનો પરસેવો છૂટી ગયો હતો. વીજ વિભાગના પડેલ દરોડાઓને પગલે અન્ય ગામના લોકો પણ સર્તક થઈ ગયા હતા. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ૪ જેટલી પોલીસ ટુકડીઓ તૈનાત કરાઈ હતી.

વિજ ચેકિંગમાં પોરબંદર,રાજકોટ,સુરત,ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતની ૫૪ ટિમો ચેકિંગમાં જોડાઈહતી. ચાંચવેલ, અરગામા, મુલેર,વોરાસમની,સલાદરા અને ઓચ્છણ ગામે વિજ કંપનીએ મારેલ છાપામાં ૭૫ ગેરકાયદે વિજ જોડાણ પકડાયા હતા.એકાએક વિજ વિભાગે છ ગામમાં છાપો મારતા ગ્રામ્ય વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.આ અંગે DGVCL વાગરાના ડેપ્યુટી ઈજનેર કે.એન.પટેલને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતુ કે કુલ છ ગામોમાં હાથ ધરાયેલ તલાશી અભિયાન દરમિયાન ૭૫ ગેરકાયદે કનેશનો ઝડપી પાડી રૂપિયા સાડત્રીસ લાખ પચાસ હજારની વીજચોરી ઝડપાઇ હોવાનું કહ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે વાગરા પંથકમાં વહેલી સવારે વિજ વિભાગે સપાટો બોલાવ્યો હોવાની વાત વાયુવેગે ફેલાતા ગેરકાયદે વિજજોડાણ વાળા ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Next Story