વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારના નાનકડા એવા વારોલી જંગલ ગામનો અગિયાર વર્ષનો અવિનાશ તેના ઘરના વાડામાં રમી રહ્યો હતો. રમવામાં તલ્લીન અવિનાશને જ્યારે તેના ડાબા હાથે સાપે ડંખ માર્યો ત્યારે તેને કારમી ચીસ નાખી. ચીસ સાંભળીને તેનો પરિવાર દોડી આવ્યો. અવિનાશને સાપે ડંખ માર્યો છે તેવી જાણ થતાં જ તેને ધરમપુરની શ્રી સાઈનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તબીબે, ઝેરી સાપ રસેલ વાઇપર કરડવાનું નિદાન કરી પૂરતી સારવાર કરી. આજે અવિનાશ તેના પરિવાર સાથે ‘નિત્ય’ થઇ ગયો છે.
સર્પદંશના કેસમાં જેમણે પોતાનું લક્ષ્ય ‘ઝીરો ડેથ’ રાખ્યુ છે એવા ડો. ધીરૂ પટેલ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પોતાની શ્રી સાઇનાથ હોસ્પિટલ ધરાવે છે. અવિનાશ સહિત કંઈ કેટલા લોકોના જીવ સર્પદંશથી તેમણે બચાવ્યા છે. આજદિન સુધીમાં તેમણે ૧૬ હજારથી વધુ સર્પદંશના કેસોમાં સફળ સારવાર કરી છે. તેમના કહેવા મુજબ તેમની કિશોરાવસ્થામાં તેમણે સર્પદંશથી મૃત્યુ થતા જોયા અને ત્યારથી જ મનમાં ગાંઠ વાળી કે, તેઓ ડોક્ટર થશે અને સર્પદંશથી કોઇનું અકાળે મૃત્યુ નહિ થવા દે.
બસ આજ ‘પેશન’ સાથે તેમણે માસ્ટર ઓફ સર્જ્યનની ડિગ્રી પ્રાપ્ત કરી. શરૂઆત તેમણે વાંસદા તાલુકાના લીમઝરની સરકારી હોસ્પિટલમાં અધિક્ષક તરીકે કરી. સરકારી નોકરી છોડી વર્ષ ૧૯૯૦માં ધરમપુર આવ્યા અને પોતાની ખાનગી હોસ્પિટલ શરૂ કરી. કારણમાં, તેમણે પહેલેથી જ નિશ્ચય કરી રાખ્યો હતો કે, તેઓ ગ્રામ્યકક્ષાએ જ સેવા-સારવાર કરશે અને તેમાં પણ સર્પદંશના કેસને પ્રાધાન્ય આપશે. બસ ત્યારથી, તેમણે ધરમપુરમાં સેવાની ધૂણી ધખાવી રહ્યા છે.
