Connect Gujarat
Featured

વલસાડ : ઘરકામની સાથે કમાણી કરતી ધોધડકુવાની મહિલા, ઓછા ખર્ચે વધુ આવક એટલે “મશરૂમની ખેતી”

વલસાડ : ઘરકામની સાથે કમાણી કરતી ધોધડકુવાની મહિલા, ઓછા ખર્ચે વધુ આવક એટલે “મશરૂમની ખેતી”
X

ખેતી શબ્‍દ સાંભળતાં આપણા મગજમાં ખેતર, ટ્રેકટર, ખાતર, જંતુનાશક, રોપણી, લળણી, વરસાદ જેવા દ્રશ્‍યો ઉભરવા માંડે છે. જો કોઇ કહે કે, આ તમામ ઝંઝટ વગર ઘર બેઠા પણ ખેતી કરી શકાય અને તેમાંથી સારી એવી મુડી પણ રળી શકાય, તો કદાચ માનવામાં જ ન આવે, પરંતુ ખરેખર આવી એક પ્રકારની ખેતી છે, મશરૂમની ખેતી. મશરૂમ જેને આપણે સામાન્‍ય રીતે બીલાડીનો ટોપ તરીકે પણ ઓળખીએ છીએ. વૈજ્ઞાનિક રીતે જોવા જઇએ તો આ એક પ્રકારની નરી આંખે જોઇ શકાતી ફુગ છે. મશરૂમમાં રહેલા પોષ્‍ટીક અને વૈદકિય તત્‍વોના કારણે દુનિયાભરમાં તેની માંગ છે.

વલસાડ જિલ્લાના ગામોમાં ગૃહિણીઓ માટે મશરૂમની ખેતી રોજગારી મેળવવાનું ઉત્તમ સાધન બની છે. ગુજરાત સરકાર દ્વારા બહેનોને આત્‍મર્નિભર બનાવવા માટે ગામમાં જ રોજગારીની તકો ઊભી થાય અને બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે વિવિધ તાલીમો અલગ-અલગ કાર્યક્રમો હેઠળ આપવામાં આવે છે. આવા કાર્યક્રમો પૈકી જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી હેઠળ બહેનોના સ્‍વસહાય જુથ બનાવી તેઓને વિવિધ કૌશલ્‍યો માટે નિઃશુલ્‍ક તાલીમ આપવામાં આવે છે.

દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ધોધડકુવા ગામના સંગીતાબેન કલ્‍પેશભાઇ પટેલ વર્ષ-૨૦૧૬માં “જય જલારામ મહિલા મંડળ” નામના સ્‍વસહાય જુથમાં જોડાયા હતા. ગુજરાત સરકાર દ્વારા રાજયના તમામ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રો ખાતે સ્‍વસહાય જુથને વિવિધ બાગાયતી ખેતી વિશે નિઃશુલ્‍ક તાલીમ આપવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ સંગીતાબેન અને તેઓના જુથની તમામ બહેનોએ મશરૂમની ખેતી અંગે 5 દિવસીય તાલીમ વલસાડ જિલ્‍લાના કપરાડા તાલુકાના અંભેટી સ્‍થિત કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રમાં પ્રોગ્રામ આસીસ્‍ટન્‍ટ પ્રેમિલાબેન આહિરના માર્ગદર્શન હેઠળ મેળવી હતી.

તાલીમ બાદ મંડળની તમામ બહેનોએ સાથે મળીને એક જ સ્‍થળે મશરૂમની ખેતી શરૂ કરી હતી. વર્ષ જતા ધીરે-ધીરે બહેનો મશરૂમની ખેતીમાં તજજ્ઞ બનતા પોતાના ઘરે અલગ-અલગ ખેતી કરવાની શરુઆત કરી હતી. સતત 2 વર્ષથી સંગીતાબેન અને અન્‍ય બહેનો પોતાના ઘર આંગણામાં જ નાનકડી જગ્‍યામાં મશરૂમની ખેતી સફળતાપુર્વક કરી રહ્યા છે.

સંગીતાબેન પટેલ મશરૂમની ખેતી અંગે પોતાના અનુભવ જણાવતા કહ્યું હતું કે, મશરૂમની ખેતીમાં માર્કેટીંગની જરૂર પડતી નથી, ગ્રાહકો અને દુકાનદારો ઘરે આવીને જરૂરીયાત પ્રમાણે મશરૂમ લઇ જાય છે. તેથી ઘર બેઠા આવક થાય છે. બહેનો માટે આ ખેતી ખુબ લાભદાયક છે. ઘર-પરિવાર કે બાળકો સાથેના સમયનો ભોગ આપવો પડતો નથી. ઘરકામ સંભાળવાની સાથે-સાથે કમાણી કરવાની આ સુવર્ણ તક છે. મશરૂમની ખેતી માટે ખાસ વધારે જગ્‍યાની જરૂર પડતી નથી. આ કામ ઘરના આંગણા કે વાડામાં હવા-ઉજાસ વાળી ઓછી જગ્‍યામાં પણ સરળતાથી થઇ શકે છે. તેના માટે સામગ્રી રૂપે ૧ કિલો બિયારણ રૂા.૧૩૦/-, ડાંગરના પુળા રૂા.૧૦૦/-, ૨ સફેદ મોટી પ્‍લાસ્‍ટીકની બેગ, ૨ કાળી મોટી પ્‍લાસ્‍ટીકની બેગ રૂા.૪૦/-, કાર્બેન્‍ડેઝીમ અને ફોર્મેલીન પાવડર-૩૦ રૂપિયા તથા થોડા વાંસના લાકડા. આમ, લગભગ ૩૦૦ રૂપિયાની આસપાસ કુલ ખર્ચ ૧ કિલો બિયારણના વાવેતર માટે થાય છે. મશરૂમ ઉત્‍પાદન માટે સૌ પ્રથમ વાંસની પાલખ તૈયાર કરવામાં આવે છે. જેને સીલીન્‍ડર કહેવાય છે. ત્‍યાર બાદ ડાંગરના પુળામાં પાણી, કાર્બેન્‍ડેઝીમ અને ફોર્મેલીન પાવડરના દ્રાવણમાં ૧૮ કલાક બોળી રાખવામાં આવે છે. પુળાને દ્રાવણમાંથી કાઢી સુકવી સફેદ બેગમાં બીયારણ સાથે ભરવામાં આવે છે. અને કાળી બેગથી ઢાંકી દેવામાં આવે છે.

સામાન્‍ય રીતે ૧ કિલો બિયારણમાં ૨ સિલિન્‍ડર તૈયાર થાય છે. ત્‍યાર બાદ ૨૨ દિવસમાં મશરૂમનો પ્રથમ પાક તૈયાર થઇ જાય. પ્રથમ વખતે ૧૦-૧૦ કિલો મશરૂમ બન્ને સિલિન્‍ડરમાંથી મેળવી શકાય. મશરૂમ કાઢયાના બીજા ૧૦ દિવસ બાદ ૩-૩ કિલો અને ત્રીજી વખતના ૧૦ દિવસ બાદ ફરી ૩-૩ કિલો મશરૂમ મેળવી શકાય છે. આમ, ફકત એક કિલો બિયારણમાંથી ૨ સિલિન્‍ડર મારફતે ૩૨ કિલો મશરૂમ ફકત ૪૨ દિવસમાં મેળવી શકાય છે. જેમાં ૧ કિલો મશરૂમનો બજાર ભાવ રૂપિયા રૂા.૨૫૦થી રૂા. ૩૦૦ સુધી મળે છે. આમ, ૩૦૦/- રૂપિયાના ખર્ચની સામે ૬,૬૦૦/ રૂપિયા આવક થતાં રૂા.૬,૩૦૦/- નો ચોખ્‍ખો નફો મળે છે. સંગીતાબેન મશરૂમની ગુલાબી અને સેજોર કાજુ નામની જાતોનું વાવેતર કરે છે.

Next Story