“વાયુ” વાવાઝોડું વેરાવળથી 325 કિમી દૂર : NDRFની 36 ટીમ તૈનાત કરાઇ

0
186

સૌરાષ્ટ્ર-કચ્છ પર તોળાઈ રહેલું વાયુ વાવાઝોડું હવે વેરાવળથી 325 કિલોમીટર જ દૂર છે અને કલાકના નવ કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ગંભીરથી અતી ગંભીર પરીસ્થીતીમાં ફેરવાઇ ગયું છે. એવા સંજોગોમાં 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંચ થી સાત ઇંચ વરસાદ ખાબકી જાય તેવી પણ શકયતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન હવે સિવિયર સાઇક્લોનમાં ફેરવાતા ચિંતાનું મોજું ફેરવાયું છે. બુધવારે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 2.91 લાખ લોકોનું સ્થળાંતર કરાશે.

મંગળવારે મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં મિટિંગ યોજાઈ હતી. રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘે સમીક્ષા બેઠકમાં સૌરાષ્ટ્ર-કચ્છના સંભવિત અસરગ્રસ્ત જિલ્લા તમામ કલેક્ટરોને વીડિયો કોન્ફરન્સિંગથી સૂચના આપી હતી. વાયુ વાવાઝોડાની શક્યતાને પગલે સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં તા.12 અને 13મી જૂને શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. આ શાળાઓને ઇમરજન્સીમાં લોકોને રાખી શકાય, તે માટે તૈયાર રખાઇ છે. લોકોના જાનમાલની સુરક્ષા સામે અસરગ્રસ્ત જિલ્લાઓમાં આર્મીની 34 ટીમ, એનડીઆરએફની 15 ટુકડી અને એસડીઆરએફની 11 ટીમો ખડેપગે તહેનાત રહેશે. એનડીઆરએફની વધારાની 20 ટીમ પૂણે અને ભટિંડાથી આવી ગઈ છે. આ સાથે જ પાંચ લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવમાં 140 થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આશંકા વ્યકત કરી છે. તમામ જિલ્લામાં કન્ટ્રોલ રૂમો શરૂ કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે ભયસૂચક 2 નંબરના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. માંગરોળ તાલુકાના 10 અને માળિયા તાલુકાના 4 ગામોને એલર્ટ પર મુકાયા છે. ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદુ કરવામાં આવ્યું છે. બંદરે બે નંબરનું સિગ્નલ લગાડી દેવાયુ છે.

આજે સવારથી કાંઠા વિસ્તારના ગામોમાંથી નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતરની કામગીરી શરૂ કરાશે. કાંઠા વિસ્તારમાં 2.91 લાખ લોકોને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. બુધવાર સુધીમાં સ્થળાંતરની પ્રક્રિયા પૂરી થઈ જશે. સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના 408 ગામડાઓમાં વાવાઝોડાની વધુ અસર થઈ શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here