Connect Gujarat
Videos

પાણીની તીવ્ર તંગી : ઉનાળાના પ્રારંભે જ પાણી માટે ટળવળતા ગીર સોમનાથ-તલાલાના 5 ગામ…

હજુ તો ઉનાળાનો પ્રારંભ જ થયો છે, ત્યાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં લોકોને પાણી માટે રઝળપાટ કરવાના દિવસો આવી ગયા છે.

X

હજુ તો ઉનાળાનો પ્રારંભ જ થયો છે, ત્યાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં લોકોને પાણી માટે રઝળપાટ કરવાના દિવસો આવી ગયા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના પીખોર, ગુંદાળા, રામપરા, સેમળિયા અને રાયડી ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની તીવ્ર તંગી સર્જાય છે, જ્યાં ગામના ખેડૂતોને ખેતીકામ છોડી બળદ ગાડામાં પાણીની શોધમાં ભટકવું પડે છે.

તો શ્રમિક વર્ગની ગામની ગૃહિણીઓને પણ એક બેડા પાણી માટે આજુબાજુના વાડી વિસ્તારોમાં 3થી 4 કિમી સુધી ભટકવું પડે છે. જોકે, ગ્રામજનોએ પાણીના ટેન્કર શરૂ કરવા છેલ્લા એક મહિનાથી તંત્ર પાસે માંગ કરી છે. પરંતુ તંત્રના પેટ નું પાણી હલતું નથી. છેલ્લા 2 દાયકાથી પાંચેય ગામના ગ્રામજનો પ્રતિવર્ષ ઉનાળાની શરૂઆતથી જ પાણી માટે વલખાં મારવા મજબૂર બની જાય છે. તાલાલા તાલુકાના છેવાડાના ગામડામાં પાણીના કુદરતી સ્ત્રોત પણ ખૂટી જાય છે. અહીના ગામડાઓમાં વાસમો અંતર્ગત નલ સે જલ યોજનાના નળ તો ઘરે ઘરે પહોંચી ગયા છે.

પરંતુ પાણી હજુ સુધી પહોંચ્યા નથી, ત્યારે હાલ તો આ યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. ગામ ના લોકો નું કહેવું છે કે, છેલ્લા 20થી વધુ વર્ષોથી પ્રતિવર્ષ ગામમાં આ સમસ્યા સર્જાય છે. માનવ જીવ પીવાના પાણી માટે પરેશાન હોય છે, ત્યારે અબોલ પશુધન માટે પણ વિકટ સ્થિતિ સર્જાઈ છે, ત્યારે સરકાર ગ્રામજનોની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story