હોર્સ-ટ્રેડિંગ’ના આરોપો વચ્ચે આજે ચાર રાજ્યોમાં રાજ્યસભાની 16 બેઠકો પર મતદાન થશે. કોંગ્રેસ અને ભાજપે પોતાના ધારાસભ્યોને હોટલ અને રિસોર્ટમાં રાખ્યા છે. આ ચૂંટણીઓમાં જે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે તેમાં કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારમણ અને પીયૂષ ગોયલ, કોંગ્રેસના રણદીપ સુરજેવાલા, જયરામ રમેશ અને મુકુલ વાસનિક અને શિવસેનાના નેતા સંજય રાઉતનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ કોઈપણ મુશ્કેલી વિના જીતે તેવી અપેક્ષા છે.

તાજેતરમાં રાજ્યસભાની 57 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી અને ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, બિહાર, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, પંજાબ, તેલંગાણા, ઝારખંડ અને ઉત્તરાખંડના તમામ 41 ઉમેદવારો ગયા શુક્રવારે બિનહરીફ ચૂંટાયા હતા. જો કે, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શુક્રવારે 16 બેઠકો માટે ચૂંટણી યોજાશે, કારણ કે ઉમેદવારોની સંખ્યા બેઠક કરતાં વધુ છે.