Connect Gujarat
Featured

બંગાળ ઇલેક્શન : આવતા અઠવાડિયે ચૂંટણીની તારીખોની થઈ શકે છે ઘોષણા, કેન્દ્રીય દળોની 800 કંપનીઓ તૈનાત કરાશે

બંગાળ ઇલેક્શન : આવતા અઠવાડિયે ચૂંટણીની તારીખોની થઈ શકે છે ઘોષણા, કેન્દ્રીય દળોની 800 કંપનીઓ તૈનાત કરાશે
X

પશ્ચિમ બંગાળના તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાનમાં ચૂંટણીને લઈને મોટા સમાચાર આવ્યા છે. આવતા અઠવાડિયે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓની ઘોષણા થઈ શકે છે. રાજ્યમાં એપ્રિલ-મે દરમિયાન ચૂંટણી યોજાઈ શકે છે. કારણ કે બંગાળ વિધાનસભાની હાલની મુદત 30 મે 2021 ના રોજ સમાપ્ત થઈ રહી છે. ચૂંટણીની તારીખોની ઘોષણા થયા પછી તરત જ ચૂંટણીપંચ કેન્દ્રીય દળોની 800 થી વધુ કંપનીઓને ચૂંટણી ફરજ માટે તૈનાત કરી શકે છે.

વર્ષ 2016 માં પણ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોને અતિ સંવેદનશીલ ગણાવીને 725 થી વધુ કંપનીઓ મોકલી હતી. આ વખતે સંવેદનશીલ બૂથની સંખ્યા ગત વખત કરતા વધુ છે, તેથી આ વખતે પશ્ચિમ બંગાળમાં 800 થી વધુ કેન્દ્રીય દળોની કંપનીઓ તૈનાત કરી શકાય છે. વળી, પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની જાહેરનામું બહાર પાડ્યા પછી, મોટા પ્રમાણમાં વહીવટી ફેરબદલ થઈ શકે છે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 294 બેઠકો છે. હાલમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે અને મમતા બેનર્જી મુખ્યમંત્રી છે. ગત ચૂંટણીમાં મમતાની ટીએમસીએ મહત્તમ 211 બેઠકો જીતી હતી, કોંગ્રેસ 44, લેફ્ટ પાર્ટીએ 26 જીતી હતી જ્યારે ભાજપ માત્ર ત્રણ બેઠકો પર જીતી હતી. બહુમતી માટે વિધાનસભામાં 148 બેઠકોની આવશ્યકતા હોય છે.

પશ્ચિમ બંગાળ સિવાય આ વર્ષે આસામ, તામિલનાડુ, કેન્દ્રશાસિત પુડ્ડુચેરી અને કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તમિલનાડુ વિધાનસભાની વર્તમાન મુદત 34 મે 2021 ના રોજ સમાપ્ત થઈ રહી છે, કેરળ વિધાનસભાની વર્તમાન મુદત 1 જૂન 2021 ના રોજ, પુડ્ડુચેરી વિધાનસભાની વર્તમાન અવધિ 8 જૂને અને આસામ વિધાનસભાની વર્તમાન મુદત 31 મીએ પૂર્ણ થઈ રહી છે.

Next Story