કોવિડ-19 બાદ હવે સમગ્ર ચીનમાં એક નવા વાઇરસનો ભય મંડરાય રહ્યો છે. આ નવા વાઇરસનું નામ હ્યુમન મેટાપ્યુમો વાઇરસ (HMPV) છે, જેની નાના બાળકોમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. જેના કારણે દેશમાં કેટલાક સ્થળોએ ઈમરજન્સી પણ જાહેર કરવામાં આવી છે.
ચીનમાં ફરી એક વખત કોવિડ-19ના 5 વર્ષ બાદ નવા વાઇરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. તેના લક્ષણો પણ કોરોના વાઇરસ જેવા જ છે. આ નવા વાઇરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાઇરસ (HMPV) છે, જે એક RNA વાઇરસ છે, જ્યારે આ વાઇરસથી ચેપ લાગે છે, ત્યારે દર્દીઓ શરદી અને કોવિડ-19 જેવા લક્ષણો દર્શાવે છે. તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. આમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે. એટલું જ નહીં, ચીનના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, તેના લક્ષણોમાં ઉધરસ, તાવ, નાક બંધ થવું અને ગળામાં બળતરાનો સમાવેશ થાય છે.
HMPV ઉપરાંત ઈન્ફલ્યુએન્ઝા A, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ-19ના કેસ પણ નોંધાઈ રહ્યા છે. જેના કારણે દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક દાવો કરવામાં આવ્યો છે કે, વાઇરસના ફેલાવા બાદ ચીને ઘણા સ્થળોએ ઈમરજન્સી જાહેર કરી છે. જોકે, ચીન તરફથી આવી કોઈ માહિતી આપવામાં આવી નથી. એક અહેવાલ મુજબ, સીડીસીએ કહ્યું છે કે, અસ્થમા અને ક્રોનિક અવરોધક પલ્મોનરી જેવી બીમારીઓથી પીડિત દર્દીઓમાં ચેપનું જોખમ વધારે છે. ખાંસી અને છીંકથી વાઇરસ ફેલાવવાનું જોખમ વધારે છે. જો વાઇરસની અસર ગંભીર હોય, તો તે બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનું કારણ બની શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન આ વાઇરસનો સામનો કરવા માટે એક સર્વેલન્સ સિસ્ટમનું પણ પરીક્ષણ કરી રહ્યું છે.