આમોદઃ ઢાઢર નદીમાં બનેલા માટીના પુલથી લોકોની ચિંતામાં વધારો

New Update
આમોદઃ ઢાઢર નદીમાં બનેલા માટીના પુલથી લોકોની ચિંતામાં વધારો

દહેજની ખાનગી કંપની દ્વારા 700 ટનનું ટ્રેઈલરને પસાર કરવા પુલ બનાવ્યો હતો

આમોદ નજીક આવેલી ઢાઢર નદીમાં 200 ટાયર વાળી ટ્રકને પસાર કરવા માટે ખાનગી કંપની દ્વારા માટીનો પુલ બનાવવામાં આવ્યો હતો. આ પુલ ઉપરથી 700 ટન વજન ધરાવતું તોતીંગ મશીન પસાર કરવામાં આવ્યું હતુ. ટ્રેલર પસાર થઈ ગયા બાદ પુલની માટી હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ઢાઢર નદીમાં હજુ પણ મોટા ભાગની માટી તેમજ પુરાણ રહી જતા નદીના પુરથી અસર થનારા ગામના લોકોમાં અને નજીકમાં ખેતરો ધરાવતા ખેડૂતોને નદીના પુરની ચિંતા સતાવી રહી છે.

આ બાબતે વાડીયા ગામના પુર્વ સરપંચ જગદીશભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, જો ઢાઢર નદીમાં રહી ગયેલી માટીને ચોમાસા પહેલાં હટાવવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન ખેડૂતોને તથા પુરમાં અસર થતા ગામ લોકોને મોટું નુકશાન થાય તેવી શક્યતા જણાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઢાઢર નદીમાં આવતા પુરથી આમોદ તાલુકાના અંદાજિત સાત જેટલા ગામો પ્રભાવિત થાય છે. જેના પગલે કેટલાય ગામો સંપર્ક વિહોણા પણ થઈ જાય છે. તેમજ ખેતીને પણ મોટા પાયે નુકસાન થવા પામે છે. જેના પગલે લોકોમાં ચિંતા વધી છે. તંત્ર આ બાબતે તાકીદે ઢાઢર નદીમાં રહી ગયેલી માટી હટાવવા કામગીરી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી છે.

Latest Stories