સુરતના કામરેજ ટોલ પ્લાઝા ખાતે
ફાસ્ટટેગના અમલ બાદ પણ સ્થાનિક સુરત અને બારડોલીના વાહનચાલકોને ટોલમાંથી મુકિત
આપવાની માંગ સાથે રવિવારે લોકો આંદોલન કરે તે પહેલાં જ સરકારે નમતું જોખી ટોલ નહિ
લેતાં વાહનચાલકોમાં ખુશી જોવા મળી રહી છે.
દેશભરના ટોલનાકાઓ પર રવિવારથી ફાસ્ટટેગ અમલમાં આવી ગયો છે. ફાસ્ટટેગના અમલ બાદ સ્થાનિક વાહનચાલકોને પણ જે તે ટોલનાકા પર ટોલ ભરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરતના કામરેજ અને ભાટીયા ખાતે સ્થાનિકો પાસેથી ટોલ લેવાના વિરોધમાં વિવિધ સંગઠનો અને રાજકીય પાર્ટીઓએ ભેગા મળી “ના-કર” સમિતિની રચના કરી હતી. સમિતિએ સ્થાનિક વાહનો પાસેથી ટોલ લેવાના વિરોધમાં રવિવારના રોજ કામરેજ ટોલપ્લાઝા ખાતે ચકકાજામ કરવાની જાહેરાત કરી હતી.
ચકકાજામના કાર્યક્રમને પગલે ટોલનાકાને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું. બીજી તરફ સરકારે પણ નમતું જોખી સુરત અને બારડોલીના વાહનોને કામરેજ ટોલ પ્લાઝા ખાતે ટોલમાંથી મુકિત આપી દીધી છે. સુરત અને બારડોલી જિલ્લાના વાહનચાલકોએ 'ના કર' સમિતિનો આભાર માન્યો હતો. ટોલપ્લાઝાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરત અને બારડોલી જિલ્લાના વાહનો અગાઉ જે રીતે પસાર થતાં હતાં તેવી જ રીતે પસાર થવા દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક વાહનો પાસેથી ટોલ લેવાના વિરોધમાં આંદોલનના મંડાણ થઇ રહયાં હતાં. વિવિધ ગ્રામ પંચાયતોએ તથા સંગઠનોએ આંદોલનને ટેકો જાહેર કરી દીધો હતો. ફાસ્ટેગ નો કાયદો સ્થાનિકો માંટે ઉકળતો ચરું સમાન હોઈ તેમજ લોકો આ 'ના કર' આંદોલન સમિટી ના સમર્થન માં આપી રહ્યા હતાં. ટોલમાંથી મુકિત મળતાં વાહનચાલકોએ પણ ખુશી વ્યકત કરી હતી.
ના કર સમિતિના નેજા હેઠળ રવિવારે સવારથી લોકો કામરેજ ટોલ પ્લાઝા ખાતે એકત્ર થવાની શરૂઆત થઇ હતી. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો પણ આંદોલન શાંતિપુર્ણ રીતે સંપન્ન થતાં પોલીસ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.