/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/Vijay-Rupani.jpg)
કંડલા બંદરેથી જીવીત પશુઓની નિકાસની કાર્યવાહી તાત્કાલિક અસરથી સ્થગિત કરતા મુખ્યમંત્રી રૂપાણી
ભારત સરકાર અને એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડીયાએ પ્રસિધ્ધ કરેલી સૂચનાઓને પગલે આ માર્ગદર્શીકાના ધારાધોરણો ન સંતોષાયત્યાં સુધી તાત્કાલિક અસરથી જીવીત પશુઓની નિકાસ ટૂંણા – કંડલા બંદરેથી નહીં થાય તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. પ્રિવેન્શન ઓફ એનિમલ ક્રુઅલ્ટી એક્ટના કડક અમલ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોય જીવીત પશુઓની નિકાસ નહીં કરવા દેવા આદેશ આપ્યા હતા. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓ અંગેની પૂર્તિ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ગુજરાતમાંથી જીવીત પશુઓની નિકાસ નહીં કરવા દેવાના નિર્ણયની કેન્દ્રિય મંત્રીશ્રીને પત્ર પાઠવી મુખ્યમંત્રીએ જાણકારી આપી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય વાણિજય મંત્રી સુરેશ પ્રભુને આ અંગે પત્ર પાઠવીને જણાવ્યું છે કે, આ માર્ગદર્શીકાને અનુલક્ષીને રાજય સરકાર દ્વારા અત્યારસુધી આપવામાં આવતી લોકલ સર્ટીફીકેશનની મંજુરી નવા નિયમોને કારણે અર્થહિન બની ગઈ છે. કેન્દ્રીય મંત્રીને મુખ્યમંત્રીએ આ પત્રમાં એવી વિનંતી પણ કરી છે કે, જ્યાં સુધી ક્વોરેન્ટાઇન સ્ટેશન અને સર્ટીફીકેશનની સુવિધાઓ ઉપલબ્ધ ન થાય તે દરમ્યાનમાં પશુઓની કંડલા બંદરેથી નિકાસની પરમીટ બંધ કરવામાં આવે.
આ ઉપરાંત ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ ઓફ એનીમલ રૂલ્સ ૧૯૭૮ અને ધ પ્રીવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ્સ એકટ ૧૯૬૦ની જોગવાઈઓના ચુસ્તપણે પાલન અને પશુઓના પરિવહન અંગે આંતર રાષ્ટ્રીય ધોરણોના પાલન અંગેનું મીકેનીઝમ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થાય. તે દરમ્યાન આ કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવા પોલીસ તંત્રને પણ સૂચનાઓ આપવામાં આવી છે.
તૃણા પોર્ટ પરથી ગેરકાયદેસર રીતે પશુઓની નિકાસ ન થઈ શકે તે હેતુથી ગૃહ વિભાગ દ્વારા તાકીદના ધોરણે એક ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી રહી છે. આ ચેકપોસ્ટ પર પોલીસ તંત્ર દ્વારા 24 કલાકની નિગરાની રાખીને કોઈપણ જીવીત પશુની નિકાસ નહીં થવા દે. રાજ્ય સરકારના નોટીફીકેશન અન્વયે રાજ્યના તમામ જિલ્લામાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં સ્થપાયેલ જિલ્લાની પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિ (SPCA)ને કોઈપણ પ્રકારનાં પ્રાણી ક્રૂરતાના કિસ્સામાં પ્રિવેન્સન ઓફ એનિમલ ક્રૂઅલ્ટી એક્ટની જોગવાઈઓ અનુસાર સઘન કાર્યવાહી કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.