Connect Gujarat
બ્લોગ

ચેન્જ : હમ ભી કન્ફ્યુઝ તુમ ભી કન્ફ્યુઝ

ચેન્જ : હમ ભી કન્ફ્યુઝ તુમ ભી કન્ફ્યુઝ
X

ચેન્જ માટે રેડી રહો....દુનિયા પળેપળે બદલાતી જાય છે. દુનિયા ક્યાં ની ક્યાં પહોંચી ગઇ...ને તું ત્યાં જ રહી ગયો. રોજેરોજ સવારથી વોટ્સએપ બદલાવ લાવવા માટે જ્ઞાનસત્ર શરૂ કરે, ફેસબૂક હોય કે ઇન્સ્ટાગ્રામ.... બસ બદલાવ કરો...ત્યાં તો સવારમાં મેસેજ આવે કે....જો જો બદલાતાં, બચપણ ભૂલી ન જતાં. બાળપણની ક્વોલિટી યાદ છે ને?....યે તો બડા કન્ફ્યુઝન હૈ.....કરે તો ક્યા કરે.....બાળક બની રહેવું કે બદલાવ? વરસતા વરસાદમાં પલળવું કે વરસાદની મજા માટે ભજીયાં ખાઇને વોટ્સએપ વોટ્સએપ કરવું.....

જો કે એ વાત તો સાચી છે, જિંદગી રોજ નવું શીખવતી હોય છે. કેવો જબરજસ્ત બદલાવ આપણી આસપાસ આવે છે. આ ચેન્જમાં ડુબકી ન મારી તો ઘણું બધું ગુમાવી દીધું હોય એવું લાગે છે... નવી જનરેશનનું ટેણિયું મોબાઈલ એપ્લિકેશન શીખવે, ક્યું મોડેલ લેવું, કોની કેટલી રેમ છે કે ક્યું પ્રોસેસર.... બધું જ નોલેજ આપણે તેમને પૂછવાનું અને ભૂલમાં ભળતો મોબાઈલ ખરીદ્યો તો કાશ્મીર પોલિસીમાં ભૂલ કરી હોય એવું ભાષણ... ત્યારે થાય કે બદલાવ જરૂરી છે. હકીકતમાં આ બદલાવ નથી પણ જાણકારીનો અભાવ છે, અને નવું શીખવાની આળસ પણ હોય છે. હવે તો નવી જનરેશન પાસે કોઈ જોક બોલ્ડ રહ્યો નથી. ફિલ્મોમાં રોમેન્ટિક કે બેડરૂમ દ્રશ્ય આવે તો કેમેરા પંખા કે પંખીના રવાડે ચડી જતાં ને હવે... બધું જોઈ લો.... આને પારદર્શકતા ગણવી કે કેમ?... જ્યારે તમારું બાળક તમારા રૂમમાં દખલ ન કરે, સાથે ફરવા ગયાં હોવ તો તમને જાણ કરીને કલાકોનો સમય આપે... તો પંખી સારું કે બધું જુવે તે.... ફિર કન્ફ્યુઝન.... નવી જનરેશન મેચ્યોર છે એનો આનંદ છે તો એમ જ મેચ્યોર નથી થઈ એ પણ યાદ રહેવું જોઈએ....

એક સમયે સુભાષ ઠાકર કે અન્ય સેક્સોલોજીસ્ટના આર્ટિકલ વડીલોની હાજરીમાં વાંચતા ડર લાગતો, નવી જનરેશન આરામથી લાઉડ વોઇસ સાથે શોર્ટ ફિલ્મ જોતાં હોય ને બે ચાર ગાળ આવી પણ જાય....બોલો બદલાવું જોઈએ કે નહીં?....આપણે કોલેજમાં હતાં, ને માંડ માંડ સેટીંગ કર્યું હોય....કોઈ છોકરીને લઈને આઇસક્રીમ પાર્લરમાં લઈ ગયા હોઇએ.... વેઇટર જંપવા દેતો ન હતો. દર પાંચ મિનીટોમાં તો નવો ઓર્ડર લેવા આવી જતો...યાર, એક તો લિમિટેડ પૈસા હોય, થોડા ઉધાર લીધા હોયને દુશ્મન જેવો વેઇટર શાંતિથી પાંચ મિનીટ વાત પણ કરવા ન દે....જાવ કોફી શોપમાં.... ઓર્ડર આપ્યાં વિના કલાકો મજા કરો....ના કોઇ રોકે કે ના કોઈ ટોકે.....કોઈ દર પાંચ મિનીટે આવીને કોઈ તમારો જીવ ખાતો નથી. દર વર્ષે નવું નવું આવતું જાય છે ને કેટલુંય જૂનું થતું જાય....મારુતિ 800 કારનો ગ્લાસ ખોલવો પડતો પણ હવે તો ગ્લાસ બંધ થઈ ગયો....અને એ જ બંધ ગ્લાસમાંથી બાળપણના મેદાનો બોલાવે....આ તો શીપ ઓફ થિસીયસ જેવું થતું જાય છે....બે અંતિમ સત્યો વચ્ચે બસ બેલેન્સ રાખતાં શીખો....પણ શા માટે શીખવું?....બાળપણ યાદ કરવાની કોશિષ કરો તો કોઈ આવીને કહેશે કે પહેલાં તો તમારો સ્વભાવ સાવ બેકાર હતો...નાની નાની વાતમાં ખોટું લાગી જતું, અંચઇ કરવામાં ઉસ્તાદ હતાં... ગુસ્સો કરવો, વાતે વાતે ખોટું લાગી જતું.... સાચે જ સ્વભાવ સુધરી ગયો. તમારું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું છે. પહેલાં તો કશું પણ પૂછતાં તો તમે એક પણ સવાલનો સારો જવાબ આપતાં ન હતાં, સાવ તોછડા હતાં.... કોણે સુધાર્યા....આપણે પણ ઘેલા... એકાદ ગુરુનું કે પરંપરાને ક્રેડીટ આપીને જાતને પુણ્યશાળી ઘોષિત કરીએ છીએ. મનમાં તો થાય કે વોટ્સએપ પર આવતા મેસેજો વાંચીને સુધરી ગયો..સવારથી મેસેજ ન હોત તો મારું શું થાત, કોણ મારો જીર્ણોદ્ધાર કરત....

ઘડીકમાં બાળપણ સારું લાગે તો બદલાતી પળે જ નવા ફોર્મેટમાં જીવવાની મજા આવે છે... આપણું જ આપણે નવું વર્ઝન બનાવીને જાતને પણ ચેલેન્જ કરીએ છીએ....કુદરત તો દર સાત વર્ષે આપણને બદલી નાખે છે, આપણા એક-એક સેલને બદલીને નવા બનાવી દે છે, ચેન્જ તો લાઇફનો ભાગ છે. કુદરતે જે મને મારા સ્વભાવમાં ઓરિજિનલ ક્વોલિટી આપી હતી એનું શું? એમાં તો ઘણી બધી ક્વોલિટી તો વારસાગત પણ હતી....બધા કહેતા કે એના દાદા જેવો જીદ્દી છે...અને હવે ચેન્જ કરોને... જિદ્દી સ્વભાવ ભૂલી જવાનો અને જમાના મુજબ પ્રેક્ટિકલ બનવાનું... ભાઇ, શું કામ?....કારણ સીધું છે કે દુનિયા સામે ટકવાનું છે...રોજ રોજ ટ્રાન્સફોર્મેશન લાવો અને કેટલી મહેનત કરીને સ્વભાવ બદલ્યો....

હકીકત એ છે કે દરેક વ્યક્તિની સફળતા અને જિંદગીની મજા માટે તેનો મૂળ સ્વભાવ જળવાવો જરૂરી છે. તમને ખોટું લાગતું હોય તો એક હદ સુધી આ સ્વભાવ જાળવો. તમે જીદ્દી છો, તમે ગપ્પીદાસ છો, તમને મજાક સહેવા કે કરવાની આદત છે....આ સ્વભાવ બીજાને નુકશાન ન કરતો હોય તો જાળવી રાખો....

"હે પ્રભુ, તેં આ સૃષ્ટિ શા માટે રચી? સુખ-દુઃખ, આરંભ-અંત, માન-અપમાન, લાચારી..... શા માટે?" તો પ્રભુ પણ મસ્તીના મૂડમાં સાવ સત્ય કહે છે કે "એકાકી ન રમતે" ભગવાનને પણ એકલું રમવું ગમતું ન હતું. એણે તો મોટી રેન્જમાં વૈવિધ્યસભર દુનિયા ઘડી. એકસરખો અને આદર્શ સ્વભાવ બનાવવો હોત તો મશીન જ બનાવી દેતો....એને ડાહપણથી ગાંડપણ સુધી આખી રેન્જ બનાવી છે. એણે તો ચિત્રવિચિત્ર ક્વોલિટી લઈને મોકલ્યાં છે....તો સ્વભાવગત ખામી હોય કે ખૂબી, આ તો એનો પ્રસાદ છે. ચાલો, એવું લાગે કે વધુ પડતો ગુસ્સો સારો નહીં... પણ બધાં ગુસ્સો ત્યજી દેશે તો સિસ્ટમ સામે આક્રોશ કોણ વ્યક્ત કરશે? તમને વારંવાર ખોટું લાગે છે તો જ દુનિયામાં એક હદ સુધી કેર લેવાની પ્રેક્ટીસ છે, નહિ તો હોટલમાં પણ સર્વિસ મળતી ન હોત....જીદ સ્વભાવમાં જ ન હોત તો ગાંધી ક્યાંથી આવતા? સહી લેવું એ સ્વભાવમાં જ ન હતું તો અસરદાર સરદાર મળ્યાં. બધાંને સમૂહમાં બેસાડીને કોમન મશીન બનાવવા છે કે તેમની ખામીઓ અને ખૂબી જાળવવી છે, એ નક્કી કરવું પડશે...એક સરખો જ વિચારતો સમાજ પેદા કરવો તો ઇશ્વરને ચેલેન્જ આપવાની વાત થઈ. એક વાત ચોક્કસ છે કે તમે સફળ છો તો તેના માટે તમારી મૂળભૂત ક્વોલિટી જ જવાબદાર છે...તમને જોરથી બોલવાની આદત છે કે ધીમી અવાજથી....જે લહેકો છે એ સાચવજો...જો બદલ્યો તો આર્ટિફિશિયલ દેખાશે જ....તમે લોભી છો તો લોભનો પ્રકાર બદલો પણ જાત બદલવાની કોશિષ અંદરનો આનંદ ક્યારેય નહીં આપે....નાનપણમાં છૂપાવીને ખાવાની આદત હતી, એક વાર ટ્રાય તો કરો....આફ્ટર ઓલ કોના માટે જીવવાનું છે?...તમારી જિંદગીમાં તમારી ક્વોલિટી અને તમારી શરતો નથી તો ઉધાર મળેલી ક્વોલીટીથી જીવીશું ? આ તો બ્રાન્ડેડ આઇટમમાં ડુપ્લિકેટ પાર્ટનો ભાર લઈને ફરીશું... અલ્ટીમેટલી.....યોર ચોઇસ.... ક્યા સહી, કબ સહી, કીતના સહી....કઈ ક્વોલિટી મજેદાર, કઇ ક્વોલિટી બદલવી....એટલી તો ચોઇસ કરવાની હિંમત રાખજો....ફિલ્મસ્ટાર, પોલિટિકલ વ્યૂ હોય કે ગમતી ડીશ પણ બીજા મુજબ નક્કી કરવાનાં હોય તો....યે જીના ભી જીના હૈ લલ્લુ....

Deval Shastri

Blog by : Deval Shastri

Next Story