Connect Gujarat
ગુજરાત

જાણો નવરાત્રીમાં ક્યાં થાય છે માતાજીની ભક્તિ સાથે દેહ અને નેત્રદાન

જાણો નવરાત્રીમાં ક્યાં થાય છે માતાજીની ભક્તિ સાથે દેહ અને નેત્રદાન
X

નવરાત્રી મા અંબા"ની આરાધના અને ગરબે રમવાનો ઉત્સવ. નવ દિવસનાં આ મહોત્સવ માત્ર ધાર્મિકતા પુરતોજ સીમિત નથી રહ્યો પરંતુ ગરબા આયોજકો દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકાય તેવો સ્તુત્ય પ્રયાસ કરીને સેવાકીય ધર્મ નિભાવી રહ્યા છે.

અંકલેશ્વર જીઆઇડીસીની સરદાર પટેલ સમાજની વાડી ખાતે શ્રી યુવામિત્ર મંડળ દ્વારા સતત 14માં વર્ષે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. અને યુવામિત્ર મંડળ દ્વારા યોજાતો નવરાત્રી મહોત્સવ માત્ર ગરબા પુરતોજ માર્યાદિત ન રહીને સેવાનાં યજ્ઞ સમાન બની ગયો છે.

શ્રી યુવામિત્ર મંડળ દ્વારા નવરાત્રી ગરબા ગ્રાઉન્ડમાં ખાણીપીણીનાં સ્ટોલની સાથે લોક જાગૃતતા લાવવાનાં હેતુસર દેહદાન, નેત્રદાન, રક્તદાન, ગૌસેવા સહિતનાં સ્ટોલ પણ મુકવામાં આવે છે, અને યુવામિત્ર મંડળ નવરાત્રી મહોત્સવની મુલાકાત અર્થે આવતા ગરબા રસિકો પણ એકવાર આ સ્ટોલની અચૂક મુલાકાત લઈને આયોજકોની કામગીરીને બિરદાવે છે.

શ્રી યુવામિત્ર મંડળ નવરાત્રી મહોત્સવનાં આયોજક રાજેશભાઈ દુધાતે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે તેઓનાં મંડળ દ્વારા વર્ષ 2003 થી દર ત્રણ મહિને સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજવામાં આવે છે, જેમાં અત્યાર સુધીમાં દરેક કેમ્પમાં 150 થી 200 યુનિટ બ્લડ કલેક્ટ કરવામાં આવે છે. અને નવરાત્રી દરમિયાન નેત્રદાન, દેહદાન, ગૌસેવા માટેના સંકલ્પ પત્રો ભરવામાં આવે છે.

રાજેશ દુધાતનાં જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં નેત્રદાન માટે 150 જેટલા સંકલ્પ પત્રો ભરાયા છે, જે માંથી 30 નેત્રોનું દાન કરવામાં આવ્યુ છે. જ્યારે દેહદાન માટે 40 સંકલ્પ પત્રોની નોંધણી થઇ હતી અને 2 દેહદાન કરવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

શ્રી યુવામિત્ર મંડળની જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણમાં સહાય અને ગૌસેવાની પ્રવૃત્તિઓને લોકો બિરદાવવાની સાથે આ સેવાકીય પ્રવૃત્તિની સુવાસ સતત પ્રસરતી રહે તેવી શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે.

Next Story