Connect Gujarat

જાણો રંગોળી ક્યાં અને કેવી રીતે બનાવવી

જાણો રંગોળી ક્યાં અને કેવી રીતે બનાવવી
X

ધનતેરસના રોજ રંગાવલીનું વિશેષ મહત્ત્વ

રંગોળી શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ રંગાવલીમાંથી ઉતરી આવ્યો છે. રંગોળી એક આર્ટ છે, જે શિલ્પ અને પેઇન્ટિંગ કરતા પ્રાચીન છે. રંગોળી કોઇપણ ઘાર્મિક વિધિમાં શુભની સાથે પ્રારંભિક આવશ્યક્તા છે. પવિત્ર ઘાર્મિક વિધિ, ઉત્સવ, લગ્ન, ઉપાસના, વગેરે જેવા શુભ કાર્યના સ્થળે રંગોળી કરવાનું શુભ માનવામાં આવે છે. રંગો દ્વારા ચિત્ર કરવાના બે ધ્યેય સૌંદર્ય અને શુભેચ્છાનું પ્રતીક માનવામાં આવે છે.

રંગોળીને પવિત્ર માનવામાં આવે છે, તેની સાથે ગાયને માતા તરીકે પૂજીએ છીએ, તેથી ગાયના છાણને રંગોળી બનાવવાની જગ્યાએ તેને લીપીને તેની પર રંગોળી કરવાનું શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે રંગોળીમાં ઘાર્મિક શુભ ચિન્હો અથવા સંજ્ઞાને પસંદ કરો. સુંદર રંગોળી બનાવવા માટે બિંદુઓ એટલે કે ટપકાં મૂકવામાં આવે છે, તેને જોડવાથી યોગ્ય ડિઝાઇન આકાર, રેખા, વણાંકો વગેરેને સ્પષ્ટ રીતે બનાવી શકાય છે.

દિવાળીના દિવસોમાં રંગોળીનું મહત્ત્વ વધારે હોય છે, તેમાં ધનતેરસના દિવસે રંગોળીને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. ઘરના આંગણામાં ગાયના છાણ અથવા તો માટી દ્વારા રંગોળી બનાવવાની હોય તેટલો ભાગ લીંપવામાં આવે છે. ત્યાં સ્વસ્તિક, શંખ, સૂર્ય- ચંદ્ર બનાવવામાં આવે છે.

મોટાભાગે લોકો તહેવારના દિવસોમાં પોતાના ઘરની સાફ-સફાઇ કરીને ઘરને સશોભિત કરતા હોય છે, ત્યારે દિવાળીના દિવસોમાં એટલે કે અગિયારસથી લાભપાંચમ સુધીના દિવસો શુભ માનવામાં આવે છે. આ દિવસોમાં પોતાની ઉપાસના થતી હોય તે ઘરે જઇને દરેક દેવી-દેવતા આશીર્વાદ આપે છે, તેથી તેઓના સ્વાગત માટે ઘરની સાથે ઘરના આંગણાની સફાઇ કરી રંગોળી બનાવવામાં આવે છે. હકીકતમાં રંગોળીની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. લક્ષ્મીજીના સ્વાગત માટે આંગણામાં રંગોળી પહેલેથી પૂર્વજો કરતા આવ્યા છે, અને આ પરંપરાને આપણે આગળ વધારીએ છીએ, પરંતુ રંગોળીનું મહત્ત્વ, તે કેમ કરવામાં આવે છે ? કેવી રંગોળી બનાવવી જોઇએ? વગેરે જેવી વાતો વિશે જાણીએ

રંગોળીનું ઘાર્મિક મહત્ત્વ

હિન્દુ ધર્મમાં દરેક તહેવાર, શુભ પ્રસંગ, ઘાર્મિક વિધિઓ દરમિયાન રંગોળી બનાવવામાં આવે છે, માનવામાં આવે છે, જે દેવી- દેવતાનો તહેવાર હોય, તેઓ તહેવારના દિવસે જ્યાં તેમની ભક્તિ, પૂજા, સ્થાપના કરવામાં આવે ત્યાં તેઓ હાજર રહે છે. તેથી ધનતેરસના દિવસે પણ માનવામાં આવે છે કે લક્ષ્મીજી ઘરે આવે છે. ઘરે જો કોઇ મહેમાન આવવાના હોય તો તેઓને પણ સુંદર ઘર ગમે છે, અને તેથી માતાજીનું આગમન થતું હોવાના કારણે આ દિવસે ઘરને સ્વચ્છ રાખવાની સાથે, ઘરની સજાવટ અને આંગણામાં રંગોળી કરવામાં આવે છે. ઘાર્મિક સિદ્ધાંત પ્રમાણે, શબ્દ, સ્પર્શ, સ્વાદ, સ્વરૂપ, ગંધ અને તેમની શક્તિ સહ અસ્તિત્વ ધરાવે છે. તેમ છતાં જો રંગોળીની રચના અને રંગમાં એક નાનકડો ફેરફાર કરવામાં આવે તો પણ તેની સ્પંદનો બદલાય છે. સ્વસ્તિક રંગોળી નામના પુસ્તકમાં રંગોળીની વિવિધ સ્વસ્તિક રચનાઓ દર્શાવવામાં આવી છે, જેમાં ગણેશ, રામ, કૃષ્ણ, તથા અન્ય દેવી-દેવતાઓ માટેના સિદ્ધાંતોને આકર્ષે છે, તે પ્રસારિત કરે છે. ભક્તિ, દેવી ઊર્જા, ભાવ-લાગણી, દેવી ચેતના, શાંતિ-નિર્મળતા દર્શાવે છે, આ દેવી શક્તિ સ્વસ્તિક રંગોળીના મુખ્ય લક્ષણ છે.

  • રંગોળી કેવી રીતે બનાવવી?

રંગોળી એક કળા છે, રંગોળી બનાવવી અને તેમાં રંગ પૂરવાની પણ પદ્ધતિ છે, હાથની પહેલી આંગળીને વાળીને અંગૂઠા વડે ચપટીમાં ભરવામાં આવે છે. તેમાંથી ધીમેધીમે અંગૂઠાને મુક્ત રાખીને રંગને છોડવામાં આવે છે. રંગોળી માટે જેટલું મહત્ત્વ રંગોનું હોય છે, તેટલું જ મહત્ત્વ રંગોળી બનાવવા માટે જગ્યાનું છે.

Next Story