/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Untitled-1-copy.JPG-10-1.jpg)
પીપલપાનથી પડવાણીયા જઈ રહેલો ટ્રેક્ટર ચાલક પાણીના પ્રવાહમાં તણાતા મોતને ભેટ્યો
ઝઘડિયા તાલુકામાં આજે વરસાદે માઝા મુકી હતી. તો ધોધમાર વરસાદ થવાના કારણે બે લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલી એસટી બસમાં સવાર 17 મુસાફરોને રાજપારડી પોલીસની ટીમે હિંમત દાખવી બચાવી લેતાં મોટી જાનહાની થતાં ટળી હતી. સોમવારે સાંજ સુધીમાં ઝઘડિયા તાલુકામાં 23 મિલી મીટર વરસાદ નોંધાયો હતો.
ભરૂચ જિલ્લામાં સોમવારે વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેમાં ઝઘડિયા તાલુકામાં બે લોકોનાં મોત થયાં હોવાની વિગતો સામે આવી છે. પ્રથમ બનાવમાં હાલમાં ચાલી રહેલા રસ્તાના કામની સાઈટ ઉપર આમોદ ગામ પાસે કામ કરતા એક આધેડ કોઈ કામ અર્થે ઝૂંપડી ઉપર ચઢ્યા હતા. દરમિયાન વરસતા વરસાદમાં વીજળી પડતાં તેમનું છાપાર ઉપર જ મોત નિપજ્યું હતું. જ્યારે પીપલપાનથી ટ્રેક્ટર લઈને પડવાણયા જવા નીકળેલા શંકર દેવા વસાવા ટ્રેક્ટર સાથે જ પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેમનું પણ મોત નિપજ્યું હતું.