/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/dang.jpg)
ડાંગ જિલ્લામાં ૧ થી ૧૯ વર્ષની વયજુથના ૮૭ હજારથી વધુ બાળકોને કૃમિનાશક એલ્બેન્ડાઝોલની ગોળી ખવડાવવામાં આવી
આરોગ્ય વિભાગે જગાવી વ્યાપક જનચેતના
સમગ્ર ડાંગ જિલ્લામાં તા.૮મી ફેબ્રુઆરી, ૨૦૧૯નાં દિવસે તમામે તમામ ૩૧૧ ગામોમા આંગણવાડીએ જતા બાળકો, તથા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાએ જતા, અને શાળાએ ન જતા ૧ થી ૧૯ વર્ષની વયજુથના પ્રત્યેક બાળકોને કૃમિનાશક એલ્બેન્ડાઝોલની ગોળી ખવડાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
આપલા ડાંગ-ચાંગલા ડાંગ આપણુ ડાંગ-સ્વસ્થ ડાંગની વિભાવના સાથે ડાંગ જિલ્લા કલેક્ટર એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેઘા મહેતાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આરોગ્ય ટીમ દ્વારા જિલ્લાના તમામ બાળકોને આવરી લેવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ૧૦ તબીબી ટીમ તથા પેટા આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીઓની ૬૮ ટીમ ઉપરાંત આશા બહેનો, આંગણવાડી કાર્યકરો અને પ્રાથમિક તથા માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળાના નોડલ શિક્ષકોના સંયુક્ત પ્રયાસને કારણે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસના દિવસે ૮૭ હજાર, ૪૫૬ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવામાં તંત્રને સફળતા મળી હતી.
તા.૮મી ફેબ્રુઆરી-રાષ્ટ્રીય કૃમિનાશક દિવસનાં રોજ હાથ ધરાયેલી આ કામગીરી ઉપરાંત તા.૧૪મી ફેબ્રુઆરી ,૨૦૧૯નાં રોજ આરોગ્ય તંત્ર દ્વારા બાકી રહી ગયેલા બાળકોને આવરી લેવા માટે મોપ અપ રાઉન્ડ પણ હાથ ધરવામાં આવનાર છે.
કૃમિના સંક્રમણથી બાળકોના વૃદ્ધિ અને શારીરિક વિકાસ તથા પોષણ સ્તર ઉપર વિપરીત અસર પડે છે. જે માટે જન સમુદાયમા઼ વ્યાપક જનજાગૃતિ કેળવવા માટે ગામેગામ, વ્યક્તિગત સ્વચ્છતા વિગેરે આરોગ્યપ્રદ સંદેશા સાથે જુથસભા, તથા બેનર્સ-પોસ્ટર્સ જેવા માધ્યમોના ઉપયોગથી જનચેતના જગાવવામાં આવી હતી. બાળકોના સુરક્ષિત અને સ્વસ્થ ભાવિ માટે કૃમિનાશક ગોળી ખવડાવવી ખૂબ જ જરૂરી છે, તેમ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેઘા મહેતાએ વધુમાં જણાવ્યું છે.