દરેક વર્ગની સ્ત્રી જ્યારે પોતાનો નિર્ણય પોતાની જાતે લઈ શકશે, ત્યારે જ કહેવાશે "ખરી આઝાદી"

દરેક વર્ગની સ્ત્રી જ્યારે પોતાનો નિર્ણય પોતાની જાતે લઈ શકશે, ત્યારે જ કહેવાશે "ખરી આઝાદી"
New Update

આજે 15મી ઓગષ્ટના રોજ સમગ્ર દેશમાં 74માં સ્વતંત્ર પર્વની હર્ષોલ્લાસ અને ગર્વથી ઉજવણી કરવામાં આવી રહી છે. અંગ્રેજોથી આઝાદી મળ્યાનો આનંદ... હા, કેમ નહિ..! ઘણા સંઘર્ષ બાદ આપણને આઝાદી મળી છે, પરંતુ શું આપણે સંતુષ્ટ છે..? શું ગરીબી, બેકારી, ભૂખ અને નબળું શિક્ષણ પણ ગુલામી જેટલી જ દુઃખદ અને અસહનીય પરિસ્થિતી નથી..?

એક બુલેટપ્રુફ લોકશાહીનું નિર્માણ થયું છે, જ્યાં કોઈને ના તો કાંઈ ખોટું દેખાય છે, ના સંભળાય છે કે, ના એનાથી કાંઈ ફર્ક પડે છે. આ બધા વચ્ચે એટલો સંતોષ છે કે, આપણો દેશ આઝાદ છે. માફ કરશો, આપણા દેશના પુરુષો, યુવાનો, દીકરાઓ આઝાદ છે. હા, બિલકુલ આજે પણ મારી બહેન, દીકરી, પત્નીને દરેક કાર્ય માટે પરવાનગી લેવી પડે છે. આજે પણ પરિવારની આબરૂ બચાવવા ખાતર દીકરીઓને પોતાની સાસરીમાં મને કે, કમને ઘણું સહન કરીને પણ એડજસ્ટ થવું જ પડે છે. મહત્વકાંક્ષી ખૂબ દ્રઢતાથી પોતાના સપનાને સાકાર કરવા મથતી દીકરીઓને માથે લગ્નનો મંડપ થોપી દેવામાં આવે છે. હા, આજે પણ અધિકતર સ્ત્રીઓ આજ ગુલામી વેઠી રહી છે. તો ચાલો આપણા ઘરથી જ શરૂઆત કરીએ આવી અડધી આઝાદીને સાચા અર્થમાં પૂર્ણ કરવાની...

ખરી આઝાદી ત્યારે કહેવાશે જ્યારે ડાન્સ ક્લાસની બહાર ઊભેલી સ્ત્રીને કોઈ પૂછે કે, તમારી દીકરીને લેવા આવ્યા છો..?, અને ત્યારે એ સ્ત્રી કહે : “ના મારા મમ્મીને લેવા આવી છું.” દરેક વર્ગની સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન મેળવે, દરેક સ્ત્રી પોતાના જીવનનો નિર્ણય જાતે લઇ શકે. પછી તે અભ્યાસ હોય, જીવનસાથી હોય, કાર્યક્ષેત્રમાં હોય કે, કોઈ શોખ કે પેશન માટે હોય...

આજના દિવસે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, આપણામાં રહેલા અંતઃ શત્રુ (કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા વગેરે) તથા અહમમત્વ રૂપી માયા થકી સ્વતંત્રતા અપાવી આપણી રક્ષા કરે. દરેક ભારતીયને ધ્રુતા રાવલ તરફથી 74માં સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના...

Blog By Dhruta Raval

#Connect Gujarat #Gujarat News #15Th August #Happy Independence Day #Beyond Just News #Dhrava Raval
Here are a few more articles:
Read the Next Article