/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/maxresdefault-166.jpg)
સાપને પકડતા લોકો પૂછડીથી પકડીને તેનું મોઢું પહેલા ડબ્બામાં નાખતા હોય છે, આ કેસમાં તુષારે સાપનું મોઢું દબાવી રાખ્યું હતું
વલસાડ જિલ્લામાં આવેલા ધરમપુર તાલુકાનાં વાલોડ ફળિયામાં રહેતો તુષાર પટેલ બે દિવસ પહેલાં શિવપાર્ક ખાતે આવેલા એક ભંગારના ગોડાઉનમાં સાપ પકડવા માટે ગયો હતો. આ દરમિયાન ઝેરી કોબ્રાએ તેના હાથમાં અંગૂઠા ઉપર દંશ દીધો હતો. હોસ્પિટલમાં તેને 45 જેટલા ઝેર વિરોધી ઇન્જેક્શન આપવામાં આવ્યા બાદ તે ભાનમાં આવ્યો છે. કોબ્રાના દંશ બાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલા સ્નેક કેચર તુષાર પટેલની તબિયતમાં સુધારો નોંધાયો છે.
ધરમપુરનાં જીવ દયા પ્રેમી તુષાર પટેલ રહેણાક વિસ્તારોમાં આવી ચડતા જંગલી સરીસૃપને પકડીને તેમને સલામત રીતે બીજી જગ્યાએ છોડી મૂકવાનું કામ કરે છે. બે દિવસ પહેલા ધરમપુરમાં એક ભંગારના ગોડાઉનમાં સાપ હોવાનો કોલ આવ્યો હતો. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ એક ઝેરી કોબ્રા હતો. તુષાર પટેલે તેને પકડીને સલામત રીતે અન્ય જગ્યાએ છોડી દીધો હતો.
તુષાર પટેલ જ્યારે કોબ્રાને પકડીને તેને પ્લાસ્ટિકની બરણીમાં પૂરી રહ્યો હતો એ દરમિયાન કોબ્રાએ મોઢાથી તેના અંગુઠા પર દંશ દીધો હતો. કોબ્રાએ સતત 25 સેકેન્ડ સુધી તુષાર પટેલનો અંગુઠો પકડી રાખીને તેના શરીરમાં ઝેર ઓક્યું હતું. ઝેરી કોબ્રાએ દંશ દેતા તુષારને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કોબ્રાએ ખૂબ મોટા પ્રમાણે ઝેર ઓકી દેતા તેની હાલત ગંભીર બની હતી. સારવાર દરમિયાન તે બેભાન પણ થઈ ગયો હતો.
દવાઓના ડોઝ આપ્યા બાદ તે શુક્રવારે ભાનમાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેને 45 જેટલા એન્ટી વેનમ(ઝેર વિરોધી) ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. ઝેરી કોબ્રાના દંશ બાદ ઝેર શરીરમાં ન પ્રસરે તે માટે તુષાર પટેલે પોતાના હાથ પર રૂમાલ બાંધી દીધો હતો. બાદમાં તેમના એક મિત્રએ તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
સામાન્ય રીતે સાપને પકડતા લોકો તેને પૂછડીથી પકડીને તેનું મોઢું પહેલા ડબ્બામાં નાખતા હોય છે. પરંતુ આ કેસમાં તુષાર પટેલે સાપનું મોઢું દબાવી રાખ્યું હતું અને સાપની પૂછડી પ્રથમ ડબ્બામાં નાખી હતી. અંતે સાપનું મોઢું ડબ્બામાં નાખવા જતાં સાપે તેનો અંગુઠો પકડી લીધો હતો.