ભરૂચ : ટેકસટાઇલ એન્જીનીયરે બનાવ્યો હતો અંબિકા જવેલર્સમાં લુંટનો પ્લાન, જુઓ કેવી રીતે ઝડપાયા આરોપીઓ

New Update
ભરૂચ : ટેકસટાઇલ એન્જીનીયરે બનાવ્યો હતો અંબિકા જવેલર્સમાં લુંટનો પ્લાન, જુઓ કેવી રીતે ઝડપાયા આરોપીઓ

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલી અંબિકા જવેલર્સમાં થયેલી લુંટ અને ગોળીબારની ઘટનાનો ભેદ ઉકેલી નાખવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે બે આરોપીને અંકલેશ્વરથી અને બે આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડયાં છે. 

ભરૂચમાં ચકચાર મચાવનારી અંબિકા જવેલર્સની લુંટનો ભેદ ઉકેલાયો છે. અગાઉ દહેજની કંપનીમાં નોકરી કરતાં અને ટેકસટાઇલ એન્જીનીયર થયેલાં ઉત્તરપ્રદેશના યુવાને તેના સાગરિતો સાથે લુંટનો પ્લાન ઘડી કાઢયો હતો. 

ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં અંબિકા જવેલર્સની દુકાન આવેલી છે. સોમવારના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં દુકાનની બહાર બે બાઇક પર ચાર હિન્દીભાષી યુવાનો આવે છે અને તેમાંથી એક યુવાન દુકાનમાં પ્રવેશી સોનાની ચેઇન દેખાડવાનું કહે છે. જવેલર્સની દુકાનમાં હાજર બે પિતરાઇ ભાઇઓએ તેને ચેઇન બતાડવાનું શરૂ કર્યું હતું દરમિયાન યુવાને બહાર ઉભેલા તેના સાગરિતોને બોલાવી ચેઇન ભરેલી પેટી આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. દુકાનમાં હાજર બંને ભાઇઓ તથા નોકરોએ હીમંતથી લુંટારૂઓનો સામનો કરતાં લુંટારૂઓએ ગોળીબાર કરતાં બંને ભાઇઓને ગોળી વાગી હતી. લુંટારૂઓનો પીછો કરવામાં આવતાં બે બાઇક પર ત્રણ લુંટારૂઓ પાંચબત્તીથી મહંમદપુરા સર્કલ તરફ જયારે એક દોડતો દોડતો સ્ટેશન તરફ ભાગી ગયો હતો. લુંટારૂઓ સાથે થયેલી ઝપાઝપીમાં એક તમંચો પણ જવેલર્સના કર્મચારીઓને ઝૂંટવી લેવામાં સફળતા મળી હતી.

અંબિકા જવેલર્સમાં ગોળીબાર કરી લુંટ ચલાવી ત્રણ આરોપીઓ મોપેડ પર જયારે એક આરોપી પગપાળા નાસી છુટયો હતો. ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવી શહેરમાં લગાડાયેલા સીસીટીવીના ફુટેજ ચકાસવામાં આવ્યાં હતાં. જેમાં એક આરોપી એકટીવા પર દહેજ તરફ જયારે અન્ય આરોપીઓ પાલેજ તરફ ગયાં હોવાનું જણાયું હતું. નેશનલ હાઇવે પરની બાવળની ઝાડીમાંથી પ્લેટીના તેમજ હેલ્મેટ મળી આવ્યું હતું. દરમિયાન સુરત પોલીસને એક આરોપી સુરત રેલવે સ્ટેશન પર હોવાની માહિતી મળી હતી. પોલીસ સ્ટેશન પર પહોંચે તે પહેલાં આરોપીઓ અવધ એકસપ્રેસમાં બેસી રવાના થઇ ગયાં હતાં. સુરત પોલીસે ભરૂચ પોલીસનો સંપર્ક કરી અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ચુસ્ત નાકાબંધી કરી દીધી હતી. અંકલેશ્વર સ્ટેશન પર અવધ એકસપ્રેસ આવતાંની સાથે ડબ્બાની નાકાબંધી કરી તેમાંથી બે આરોપીઓને લુંટમાં ગયેલાં મુદ્દમાલ સાથે દબોચી લેવાયાં હતાં. જયારે અન્ય બે આરોપીઓ પણ સુરતથી લકઝરી બસમાં ઉત્તરપ્રદેશ ભાગી જવાની તૈયારીમાં હતાં ત્યારે સુરત પોલીસે તેમને ઝડપી લીધાં હતાં. આમ અંકલેશ્વર અને સુરતમાં કાર્યવાહી કરી ચારેય આરોપીને લુંટમાં ગયેલાં તમામ મુદામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે. 

પોલીસે ઝડપી પાડેલા ચાર આરોપીઓ પૈકી એક આશિષ રામદેવ પાંડે ટેકસટાઇલ એન્જીનીયર છે અને અગાઉ તે દહેજની એક કંપનીમાં કામ કરતો હતો. હાલ તે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ગોકુલાનંદ કંપનીમાં નોકરી કરે છે. જયારે બીજો આરોપી અજય પાંડે આઇટીઆઇમાં ફીટર થયેલો છે.

આરોપી અજય પાંડે અગાઉ ઉત્તરપ્રદેશના જોનપુરમાં હથિયારના ગુનામાં સંડોવાયેલો છે. આ ઉપરાંત અન્ય બે આરોપી સુરજ યાદવ અને રીંકુ યાદવ જોનપુર તેમજ આસપાસ આવેલાં વિસ્તારોમાં નાની- મોટી ચોરી અને ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલાં છે. ચારેય આરોપીઓ પાસેથી સોનાની 27 ચેઇન કીમંત રૂપિયા 27 લાખ રૂપિયા સહિત કુલ 27.71 લાખ રૂપિયાનો મુદામાલ કબજે લેવાયો છે.