ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો–ઓ.બેંકની ૧૧૧મી સાધારણ સભા રજપુત છાત્રાલય ખાતે બેંકના ચેરમેન અને ધારાસભ્ય અરૂણસિંહ રણાની અધ્યક્ષતામાં મળી હતી. સાધારણ સભામાં વાર્ષિક હિસાબો જાહેર કરવા સાથે નફા–નુકશાનની ફાળવણી કરી બેંક દ્વારા સભાસદોને ૨૨ ટકા ડિવિડન્ડ આપવાનું જાહેર કરાયું હતું.
સાધારણ સભામાં ભરૂચ કોટન યુનિયનના ચેરમેન ચંદ્રકાંત પટેલે ખેડૂતોને વધારાની રિવોલ્વીંગ કેશ-ક્રેડીટ આપવા માટેની માંગણી કરી હતી. જિલ્લા સહકારી સંઘના ચેરમેન ભરતભાઇ પટેલે બેંકે ઉત્તરોત્તર પ્રગતિ કરતા અભિનંદન આપ્યા હતા. ખરીદ–વેચાણ સંઘના ચેરમેન દિલીપભાઇ પટેલે બેંક દ્વારા ખેડૂતોને વ્યાજ આપવાનો અભિગમ આવકાર્યો હતો. જ્યારે ગણેશ સુગરના ચેરમેન સંદિપ માંગરોલાએ બેંકને જિલ્લાની સહકારી પ્રવૃત્તિના વિકાસ માટેનો આધાર સ્તંભ ગણાવી હતી. બેંકના વાઇસ ચેરમેન કરશનભાઇ પટેલે સાધારણ સભામાં ઉપસ્થિત વિવિધ મંડળીના ચેરમેનોને લોન વસૂલાતની કામગીરી માટે માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
સાધારણ સભામાં બેંકના ચેરમેન અરૂણસિંહ રણાએ બેંક નવી ટેકનોલોજી અપનાવશે તેમ જણાવી બેંક દ્વારા જિલ્લામાં ૧૮ એ.ટી.એમ. ર૦૦ માઇક્રો એટીએમ અને ૧૮૦૦૦ ખેડૂતોને એટીએમ કાર્ડ આપ્યાનું જણાવ્યું હતું. આ એટીએમ કાર્ડનો ઉપયોગ કોઇપણ બેંકના એટીએમ પર થઇ શકશે તેમ જણાવી તેમણે ટૂંક સમયમાં જ મોબાઇલ બેંક સેવા તેમજ ચાલુ વર્ષમાં બીજી પાંચ શાખાઓ શરૂ કરવા માટેની ખાતરી પણ આપી હતી. જેને મોટી સંખ્યામાં ઉપસ્થિત સભાસદોએ વધાવી હતી.