/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/03132843/maxresdefault-25.jpg)
કેવડીયા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માત્રા ઘટાડી દેવામાં આવતાં ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તર તેની ભયજનક 24 ફુટની સપાટી કરતાં પણ નીચે આવી ગયાં છે. હાલ નર્મદા નદીની સપાટી 16.40 ફુટની છે અને સપાટીમાં સતત ઘટાડો થઇ રહયો છે.
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવરમાં લાખો કયુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટી 131 મીટર સુધી પહોંચી ગઇ હતી. રવિવારે સાંજથી ડેમના દરવાજા ખોલી પાણી છોડવાની શરૂઆત કરાઇ હતી. ડેમમાંથી છોડવામાં આવેલાં 10 લાખ કયુસેક કરતાં વધારે પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 35 ફુટ સુધી પહોંચી જતાં ઘોડાપુર આવ્યાં હતાં. નર્મદા નદીના પાણી આસપાસ આવેલાં વિસ્તારોમાં ફરી વળતાં ભારે તારાજી સર્જાય છે. પાંચ દિવસ બાદ નર્મદા નદીની સપાટી ભયજનક સપાટી કરતાં પણ નીચે આવી ચુકી છે. નર્મદા ડેમની વાત કરવામાં આવે તો ઉપરવાસમાંથી ડેમમાં 3.8 લાખ કયુસેક પાણી આવી રહયું છે જેની સામે ડેમના 10 ગેટ ખોલી 1.15 લાખ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહયું છે. ગુરૂવારે બપોરના સમયે નર્મદા નદીની સપાટી 16.40 ફુટ નોંધાય હતી. બે જ દિવસમાં નદીની સપાટીમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે. બીજી તરફ નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ કરવામાં આવી રહયો હોવાના કારણે ડેમની સપાટી વધીને 135.13 મીટર પહોંચી છે. રવિવારથી ગુરૂવાર સુધીમાં ડેમની સપાટીમાં 4 મીટર જેટલો વધારો થયો છે. ડેમની મહત્તમ સપાટી 138.60 મીટરની છે. આમ ડેમમાં પાણીનો સંગ્રહ શરૂ થતાં ભરૂચવાસીઓને રાહત સાંપડી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી પણ ધીમે ધીમે પુરના પાણી ઓસરી રહયાં છે.