ભરૂચના ઝાડેશ્વર ગામમાં મસીહા તરીકે ઓળખાતા જયેશભાઇ પટેલનું નિધન થતાં તેઓના બેસણામાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હાજર રહી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી

New Update
ભરૂચના ઝાડેશ્વર ગામમાં મસીહા તરીકે ઓળખાતા જયેશભાઇ પટેલનું નિધન થતાં તેઓના બેસણામાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હાજર રહી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી

ભરૂચના ઝાડેશ્વર ગામમાં રહેતા જયેશભાઇ પટેલ છેલ્લા કેટલાય સમયથી માંદગીના કારણે મુંબઈની રિલાયન્સ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હતા. પરંતુ ગત તા. ૧૯ જૂનના રોજ તેઓનું લાંબી માંદગી બાદ નિધન થયું હતું. જયેશભાઈ પટેલના નિધનથી ઝાડેશ્વર ગામ સહિત સમગ્ર ભરૂચ જીલ્લામાં શોકમય વાતાવરણ સર્જાયું હતું. જયેશભાઇ પટેલની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ભરૂચ શહેરની જનતા તેમજ ભાજપ તથા કોંગ્રેસના આગેવાનોએ હાજરી આપી હતી.

ઝાડેશ્વર ગામમાં ગ્રામજનોને કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક તેનો નિકાલ લાવવા માટે સ્વ. જયેશભાઈ પટેલ હંમેશા આગળ રહેતા હતા. સ્વ. જયેશભાઇ પટેલ વર્ષ ૧૯૭૫માં કોલેજકાળ દરમિયાન જી.એસ. તથા સેનેટ સભ્યની ચૂંટણી પણ જીત્યા હતા. ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં તેઓ સરપંચ પદે બે ટર્મ સુધી રહ્યા હતા. તેઓ ભરૂચ જિલ્લા પંચાયતમાં બે ટર્મ સુધી સભ્ય પદ પણ નિભાવી ચૂક્યા હતા. આ ઉપરાંત રાજકારણમાં તેઓ સૌથી અગ્રિમ રહી ત્રણ વિધાનસભા તથા એક લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા.

જયેશભાઇ પટેલનું લાંબી માંદગી બાદ નિધન થતાં આજરોજ તેઓનું બેસણું ઝાડેશ્વર ગામ સ્થિત કે.જી.એમ. વિધ્યાલય શાળા ખાતે રાખવામા આવ્યું હતું. સ્વ. જયેશભાઇ પટેલના બેસણામાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સહિત ભાજપ-કોંગ્રેસના આગેવાનો, રાજકીય અગ્રણિયો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સ્વ. જયેશભાઇ પટેલને હાર્દિક શ્રદ્ધાંજલી પાઠવી હતી.

ઝાડેશ્વર ગામમાં સ્વ. જયેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોનું આવનારી પેઢીમાં પણ સ્મરણ રહે અને લોકો હંમેશા પોતાની યાદમાં તેઓને ઉજાગર રાખે તેવી પ્રેરણાથી ઝાડેશ્વર ગ્રામ પંચાયત નજીક સ્વ. જયેશભાઇ પટેલનું સ્ટેચ્યું બનાવી જયેશ કાકાની યાદ ગ્રામજનોની વચ્ચે હંમેશા રહે તેવી ભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી.

Latest Stories