/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/sddefault.jpg)
રાજકોટ પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે. જે માત્ર સિનીયર સિટીઝનને જ બનાવતો પોતાનો ટાર્ગેટ...જી હા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એ.ટી.એમ સેન્ટરો પર કાર્ડ બદલીને ફ્રોડ આચર્યા બાદ બેંક એકાઉન્ટમાંથી રૂપીયા કાઢી છેતરપિંડી આચરતા સુરતનાં શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેની વિરૂદ્ધ સાત ગુનાઓ નોંધાયા છે. પરંતુ તેને અત્યાર સુધીમાં 200 જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાનું કબુલ્યું છે. હાલ પોલીસે તેની પાસેથી 20 એ.ટી.એમ કાર્ડ કબજે કરી તપાસ શરૂ કરી છે.
એ.ટી.એમ કાર્ડ બદલી આચરતો છેતરપિંડી, 200 થી વધુ ગુનાઓને આપ્યા અંજામ.
રાજકોટ પોલીસે ધરપકડ કરેલ શખ્સનું નામ છે ધીરજકુમાર મોહનલાલ પંચાલ...આ શખ્સ પર આરોપ છે. 200 કરતા વધુ લોકો સાથે એ.ટી.એમ કાર્ડ બદલીને ફ્રોડ આચરી લાખો રૂપીયાની છેતરપિંડી આચરવાનો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, ગુજરાતનાં વિવિધ શહેરોમાં એ.ટી.એમ કાર્ડ બદલીને લોકો સાથે છેતરપિંડી આચરનાર સુરતનો શખ્સ કોઠારીયા રોડ પર આવેલા રણુંજા મંદિર પાસે આવી રહ્યો છે. જેને આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આ શખ્સ આવતાની સાથે જ દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં તેની પાસે થી 20 એ.ટી.એમ કાર્ડ, 2 હજાર રોકડા અને કાર અને મોબાઇલ મળીને કુલ 6 લાખ 17 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
શું છે મોડેશ ઓપરેન્ડીં...?
પોલીસનાં કહેવા મુજબ, આરોપી ધીરજકુમાર પંચાલ સુરતનાં ડીંડોલી વિસ્તારનો રહેવાસી છે. તેની વિરૂદ્ધ ગુજરાતમાં પાલનપુર, સુરત અને અમદાવાદમાં પાંચ અને મહારાષ્ટ્રનાં અહમદનગર અને જાલના શહેરમાં ગુનાઓ નોંધાયા છે. આરોપીની મોડેશ ઓપરેન્ડી એવી છે કે, તે એ.ટી.એમ સેન્ટરમાં આવતા વયોવૃદ્ધ અને ગ્રામ્ય પ્રજાને પોતાના ટાર્ગેટ બનાવતો હતો. એ.ટી.એમ થી રૂપીયા ઉપાડી દેવાની મદદનાં બહાને એ.ટી.એમ કાર્ડ બદલી નાખતો હતો અને કાર્ડ બંધ થઇ ગયું છે તેમ કહી દેતો હતો. ત્યારબાદ ઓરીજીનલ કાર્ડમાંથી રૂપીયા ઉપાડી છેતરપિંડી આચરતો હતો. હાલ તો પોલીસે પુછપરછ કરતા તેને ગુજરાત અને મહારાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં આ પ્રકારે 200 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબુલાત આપી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે.
આરોપીએ ભલે 200 જેટલા ગુનાઓની કબુલાત આપી હોય પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રમાં માત્ર 7 ગુનાઓ જ નોંધાયા છે. જેથી સ્પષ્ટ થાય છે કે, આ પ્રકારનાં ગુનાઓ થયા બાદ લોકો પોલીસ ફરીયાદ નોંધાવતા નથી જેને કારણે જ આવા લોકો બેફામ રીતે ગુનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં આ શખ્સ વિરૂદ્ધ કેટલા ગુનાઓ નોંધાય છે તે જોવું રહ્યું.