રાજકોટ: સૌરાષ્ટ્ર-કચ્છનું પ્રથમ બોગસ કોલ સેન્ટર ઝડપાયું, પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

New Update
રાજકોટ: સૌરાષ્ટ્ર-કચ્છનું પ્રથમ બોગસ કોલ સેન્ટર ઝડપાયું, પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

રાજકોટ લક્ષ્મીવાડી મેઈન રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં ચાલતા બોગસ કોલ સેન્ટર પર પોલીસે દરોડો કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છનું પ્રથમ બોગસ કોલ સેન્ટર ચલાવતા રાજકોટ, સિક્કા અને અમરેલીના ત્રણ વિદ્યાર્થીઓને ઝડપી લઇ 57,800 રૂપિયાનો મુદામાલ કબ્જે લીધો છે. આ ત્રિપુટીએ લોનના બહાના હેઠળ વિદેશી નાગરિક સાથે ઠગાઈ કરી હોવાનું અને ત્રણેક મહિનાથી લોકોને ચૂનો ચોપડતા હોવાનું જાણવા મળતા પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

સૌરાષ્ટ્ર-કચ્છનું પ્રથમ બોગસ કોલ સેન્ટર ઝડપાયું.

રાજકોટ પોલીસના સકંજામાં રહેલા શખ્સો આવ્યા હતા. અભ્યાસ કરવા પરંતુ પહોંચી ગયા હવાલાતમાં.આ શખ્સોના નામ વિદ્યાર્થી અંજીલ રજનીભાઇ ડેડાણિયા, કૌશિક બાવચંદ દાફડા અને રોનક ઉર્ફે બાબા અરવિંદભાઈ સિગડીયા.રાજકોટ પોલીસે આ શખ્સોને બોગસ કોલ સેન્ટર ચલાવી વિદેશીઓ સાથે છેતરપીંડી આચરતા હોવાના ગુનામાં ધરપકડ કરી છે.

પોલીસના કહેવા મુજબ, એક વિદેશી નાગરિક સાથે રાજકોટમાં બોગસ કોલ સેન્ટર ચલાવતા ત્રણ શખ્સોએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મળતા પોલીસ કમિશ્નરને મળી હતી. જેને આધારે ભક્તિનગર પોલીસે લોકેશન શોધ્યું હતું. ભક્તિનગર પોલીસને લક્ષ્મીવાડી મેઈન રોડ ઉપર આવેલ દેવાંશી એપાર્ટમેન્ટના ચોથા માળે 402 નંબરના એપાર્ટમેન્ટમાં બોગસ કોલ સેન્ટર ચાલતું હોવાની માહિતી મળી હતી.જેને આધારે પોલીસે દરોડો પાડી ત્યાં હાજર સાધુવાસવાણી રોડ અજંતા પાર્કના વિદ્યાર્થી અંજીલ રજનીભાઇ ડેડાણિયા, અમરેલીના સરવડા ગામના ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા કૌશિક બાવચંદ દાફડા નામના વણકર યુવક અને જામનગરના સિક્કાના અને રાજકોટમાં અભ્યાસ કરતા રોનક ઉર્ફે બાબા અરવિંદભાઈ સિગડીયા નામના પ્રજાપતિ યુવકને દબોચી લઇ બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કરી નાખ્યો હતો. પીએસઆઇ ધાંધલ્યાએ ફરિયાદી બની ત્રિપુટી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે તમામ શખ્સોની પૂછપરછ શરૂ કરી છે.

શું હતી મોડેશ ઓપરેન્ડી ?

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી ત્રિપુટીએ છેલ્લા 4 મહિનાથી ઉપલેટાવાળા દિનેશભાઇ મકવાણાનો ફ્લેટ ભાડે રાખ્યો હતો. તેમાં તેઓ બેસી સ્પીડી કેસ કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી લોકોને લોન અપાવવાની લોભામણી સ્કીમો આપી વાત કરતા હતા. પોલીસના કહેવા મુજબ, આરોપીઓએ એમેઝોન અને મેજીકે જેક નામની એપ્લિકેશન મારફતે વિદેશી નાગરિકોના કોન્ટેક્ટ નંબર અને ડીટેલ મેળવી સંપર્ક કરી લોભામણી સ્કીમો આપી શીશામાં ઉતારતા હતા. આ ત્રિપુટીએ મેજીક જેક નામની એપ્લિકેશન 5000 રૂપિયામાં વિદેશથી ખરીદ કરી હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ અમેરિકાના નાગરિકો સાથે જ આ પ્રકારની છેતરપિંડી કરતા હતા. આરોપી અંજીલ ડેડાણીયાએ વર્ષ 2017માં ગુડગાંવ ખાતે કોલ સેન્ટરમાં ટ્રેનિંગ લીધી હોવાનું સામે આવ્યું છે.

સૌરાષ્ટ્ર - કચ્છનું આ પ્રથમ બોગસ કોલ સેન્ટર રાજકોટમાંથી ઝડપતા ભારે ચકચાર મચી છે. જોકે પોલીસે આરોપીઓને ઝડપી જેલના સળિયા ગણતા કરી દીધા છે. હાલ પોલીસે આરોપીઓ પાસેથી બે લેપટોપ, 3 મોબાઈલ અને ઇન્ટરનેટ રાઉટર સહીત 57,800 રૂપિયાનો મુદામાલ કબ્જે લઇ ત્રણ મહિનામાં કેટલા લોકો સાથે લોનના નામે છેતરપિંડી આચરી છે તે જાણવા તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં બોગસ કોલ સેન્ટર સાથે કેટલા લોકો સંડોવાયેલા છે અને ક્યાં ક્યાં શહેરોમાં આ પ્રકારના બોગસ કોલ સેન્ટરો ચાલુ કરવામાં આવ્યા છે તે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં કેટલા નવા ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું.

Latest Stories