/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/1507479751-suicide.jpg)
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા બિગબજાર પાસેની ભીમરાવ સોસાયટીમાં રહેતા અને સાત મહિના પહેલાં જ પ્રેમલગ્ન કરનાર ડોક્ટરે પત્ની સાથેના ઝઘડાથી કંટાળી ગળે ફાંસો આપઘાત કરી લીધો હતો. પતિ-પત્ની વચ્ચે શનિવારે રાત્રે પણ ઝઘડો થયો હતો. ડો.વિપુલ મોહનભાઇ પારિયાએ રવિવારે જ પોતાના ઘરે પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ ઉમેદભાઇ પવાર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. તબીબના આપઘાત પાછળ ગૃહકલેશ કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ડો.વિપુલ પારિયા શહેરની બી.ટી.સવાણી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. શહેરની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી પૂજા સાથે પ્રેમ થયા બાદ બંનેએ સાત મહિના પૂર્વે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પતિ-પત્ની ભીમરાવ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. લગ્ન બાદ કોઇ મુદ્દે પતિ-પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતાં હતાં. શનિવારે રાત્રે પણ બંને વચ્ચે બોલાચાલી થતાં પત્ની પૂજાબેનને તેમના પિતા તેડી ગયા હતા. ઝઘડા બાદ પત્ની પિયર જતી રહેતા તે બાબતનું માઠું લાગી આવતાં તબીબે પગલું ભરી લીધું હતું. ડો.વિપુલ પારિયા રોહીશાળા ગામના વતની હતા. પરિવારમાં ત્રણ ભાઇમાં સૌથી નાના હતા. વિપુલ પારિયાએ એમએસ સુધી અભ્યાસ કર્યો હતો. યુવાન અને આશાસ્પદ પુત્રના આપઘાતથી પારિયા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.