/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/12-6.jpg)
9 વર્ષ પહેલાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી યોજનાનું ખાતમુહૂર્ત કરવા મંત્રી આવ્યા હતા.
રાજપીપળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાત રાજ્યના ૮ સહિત સમગ્ર ભારતમાં ૬૩ ભૌગોલિક વિસ્તારોના લાખો નાગરિકો માટે સુવિધાજનક અને પર્યાવરણલક્ષી કુદરતી ગેસના વિતરણ અંતર્ગત સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ્સનું આજે 22 નવેમ્બરે ખાતમૂહુર્ત યોજાયું હતું. એજ કાર્યક્રમના ભાગરૂપે રાજપીપળામાં રમતગમત સંકુલ ખાતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં સીજીડી પ્રોજેકટના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. રાજપીપળા શહેરની આમ જનતાની પાંખી હાજરી માન્ય પણ ભાજપના અમુક ઉચ્ચ હોદ્દેદારો તો ડોકિયું કરવા પણ દેખાયા નહિ.
આ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત બાદ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં ગેસ માટે સ્થાનિક સંસદ સભ્ય પાસેથી કૂપનો લેવી પડતી હતી. એક સાંસદને ફક્ત 25 કૂપનો જ અપાતી હતી. એની સામે દેશની આમ જનતા હેરાન થતી હતી. અમુક કિસ્સામાં તો સાંસદ સભ્યો એ કૂપનો જ વેચીને રોકડી કરી લેતા હતા. તેની સામે નરેન્દ્ર મોદીએ દેશની 5 કરોડ જનતાને ગેસ કનેક્શન આપવાનું પગલું ભર્યું.
ભૂતકાળમાં કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધીએ જ કબુલ્યું હતું કે હું 1 રૂપિયો મોકલું છું તો એ ગામડા સુધી પહોંચતા 20 પૈસા થઈ જાય છે. જ્યારે અત્યારે દરેક યોજનાના લાભાર્થીના 100% રૂપિયા એમના જ ખાતામાં પડે છે. એટલે કોંગ્રેસના વડા પ્રધાને ઉઠાવેલો પ્રશ્નનું નિરાકરણ નરેન્દ્ર મોદીએ લાવ્યું એટલે કોંગ્રેસે મોદીનો આભાર માનવો જોઈએ.
આ તબક્કે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં પેહલા ગેસ ઉદ્યોગોને પછી ગેસ પમ્પોને અને છેલ્લે વધે ત્યારે જનતાને અપાતો હતો,જ્યારે અત્યારે નરેન્દ્ર મોદીએ એ ક્રમ ઉલટો કરી પેહલા જનતાને પછી ગેસ પમ્પોને અને છેલ્લે ઉદ્યોગોને અપાય છે.
પરંતુ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને મનસુખ વસાવાએ પોતાનું આ સંબોધન જનમેદનીને નહિ પણ ખાલી ખુરસીઓને સંબોધ્યું હતું.ગેસ પ્રોજેકટ જેવા મહત્વના કાર્યક્રમમાં જનમેદનીની જગ્યાએ બસ ખાલી ખુરશીઓ અને લોકોની પાંખી હાજરી જ દેખાતી હતી.સ્થાનિક પ્રજા તો ઠીક પણ ભાજપના અમુક ઉચ્ચ હોદ્દેદારો તો ત્યાં ડોકિયું કરવા પણ આવ્યા ન હતા.જોકે કોઈ આ ખાલી ખુરશી અને પાંખી હાજરીની નોંધ ન લે એ માટે ચાલુ કાર્યક્રમમાં જ ખાલી ખુરશીઓ ત્યાંથી હટાવી લેવામાં આવી હતી.બીજી બાજુ સ્ટેજ પર પણ માત્ર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા,સાંસદ મનસુખ વસાવા અને ગુજરાત ગેસના CEO નીતિન પાટીલ બિરાજમાન હતા.રાજપીપળાના પ્રથમ નાગરિક એવા પાલિકા પ્રમુખ જીગીશા ભટ્ટને પણ નીચે સ્થાન અપાયું હતું આ બાબત સૌને આંખે ઉડીને વળગી હતી.આમ જોતાં આ કાર્યક્રમમાં મોટે ભાગે અધિકારીઓ,સરકારી કર્મચારીઓ,ભાજપના અમુક કાર્યકરોની જ વધુ હાજરી દેખાઈ રહી હતી.એક બાજી ઠેર ઠેર સરદાર પટેલ એકતા યાત્રા ફ્લોપ થઈ રહી છે અને પાછું ગેસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત જેવા મહત્વના કાર્યક્રમમાં પણ પાંખી હાજરીને લઈને આવનારી 2019 લોકસભા ચૂંટણી ભાજપ માટે કપરા ચઢાણ સમાન સાબિત થાય તો બિલકુલ નવાઈ નહિ.તો સરવાળે રાજપીપળા ખાતે યોજાયેલ સીજીડી પ્રોજેક્ટનો આ કાર્યક્રમ ફ્લોપ સો સમાન સાબિત થયો છે એમ કહીએ તો ખોટું નથી