/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/123.jpg)
વિવિધ વિસ્તારની કૃષ્ણ મંડળીઓ દ્વારા મટકી ફોડ સાથે હિંડોળાનું કરાયું આયોજન
અંકલેશ્વર શહેર અને વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાત્રે કૃષ્ણ જન્મોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ વિસ્તારની કૃષ્ણ મંડળીઓ તથા મંદિરો દ્વારા અને સોસાયટી વિસ્તારોમાં મટકી ફોડ અને હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આખું શહેર જાણે કૃષ્ણમય બની ગયું હતું. જ્યારે નાના બાળકોને કૃષ્ણના વેશમાં સજ્જ કરી નચાવવામાં આવ્યા હતા.
અંકલેશ્વરનાં દીવા રોડ ઉપર આવેલી જલારામ નગર સોસાયટી ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે સાંઈ ગ્રૃપ દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. યુવાનોએ કોમન પ્લોટ ખાતે ડી.જે.ના તાલે ગરબાની રમઝટ બોલાવી મટકી ફોડનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં સોસાયટીનાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જ્યારે અંકલેશ્વર સમડી ફળીયા સ્થિત ગોવર્ધન નાથજીની હવેલી ખાતે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમ અને પંચાટી બજાર સ્થિત રાધા વલ્લભ મંદિરે હિંડોળા દર્શન સાથે કૃષ્ણ જન્મોત્સવના વધામણા લેવાયા હતા.
ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા નદી કિનારે આવેલા રણછોડરાય મંદિર- રામજીમંદિર- વિઠુલરાયજીના મંદિરે દર વર્ષેની જેમ આ વર્ષે પણ કૃષ્ણજન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રંગબેરંગી રોશનીથી મંદિરને શણગાર કરવામાં આવ્યા હતા. તેમજ શ્રી કૃષ્ણના પારણાને પણ ફુલમાળાથી સજાવટ કરવામાં આવી હતી.
મંદીરોમાં રાત્રિ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ગલીએ ગલીએ મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. રાત્રે 12 કલાકે શ્રી કૃષ્ણની મહાઆરતી સાથે અબીલ ગુલાલની છોળો વચ્ચે કૃષ્ણજન્મના વધામણાં કરવામાં આવ્યા હતા. મોડી રાત્રે પણ મંદીરો મા કૃષ્ણભક્તીનો મોહલ છવાયો હતો. ભકતો દ્વારા કૃષ્ણભગવાનના પારણાને ઝુલાવી ધન્યતા અનુભવી હતી.