અંકલેશ્વર નેત્રંગ વચ્ચેનો માર્ગ ખખડધજ બનતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લેખિત રજૂઆત કરાઈ

New Update
અંકલેશ્વર નેત્રંગ વચ્ચેનો માર્ગ ખખડધજ બનતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લેખિત રજૂઆત કરાઈ

અંકલેશ્વર નેત્રંગ વચ્ચેનો માર્ગ બિસમાર બની જતા કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીને લેખિતમાં રજૂઆત કરીને માર્ગનાં સમારકામની માંગ કરવામાં આવી છે.

નેત્રંગનાં સામાજિક અને સહકારી અગ્રણી અતુલભાઈ પટેલે નેત્રંગ, વાલીયા અને અંકલેશ્વરનો રસ્તો સાવ ખરાબ થઈ જતાંકેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ, હાઈવે અને શિપીંગ મંત્રી નીતિન ગડકરીને લેખિત અને મેઇલથી રજૂઆત કરી હતી.

તેઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતુ કે આખો રસ્તો ખખડધજ બની ગયો છે. ગણ્યા ગણાય નહીં એટલા અને આખે આખી કાર તેમાં આવી જાય તેટલા ઉંડા અને મોટા ખાડા પડેલા છે. ખાડાઓમાં વરસાદનું પાણી ભરાય જાય ત્યારે પાણીના કારણે દેખાતો નથી, જેને કારણે તેમાં વાહન પડે ત્યારે ચાલકનો સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દે છે ને અકસ્માત સર્જાતા હોવાનું તેઓએ જણાવ્યું છે.

વધુ ખખડધજ રસ્તાનું નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા જરૂરી મશીનરીનો ઉપયોગ કરી અને યોગ્ય મટીરિયલ વાપરી રસ્તો રીપેર કરવામાં આવે અને ફોર લેન બનાવા યોગ્ય કાર્યવાહી કરવા નેત્રંગ, વાલીયા અને અંકલેશ્વર રસ્તા પર આવેલા ગામડાઓનાં લોકો અને ગુજરાત, મહારાષ્ટ્ર અને આંતર રાજ્યોના વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે.