અયોધ્યાની વિવાદીત જમીનના ચુકાદા આડે ગણતરીના કલાકો બાકી : દેશ ભરમાં ઉત્તેજના

New Update
અયોધ્યાની વિવાદીત જમીનના ચુકાદા આડે ગણતરીના કલાકો બાકી : દેશ ભરમાં ઉત્તેજના

ઉત્તરપ્રદેશમાં અયોધ્યામાં વિવાદીત જમીન અંગે શનિવારના રોજ દેશની સર્વોચ્ચ અદાલત ચુકાદો આપવા જઇ રહી છે ત્યારે દેશભરમાં ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહયો છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની ખંડપીઠ શનિવારે અયોધ્યા વિવાદ પર શનિવારના રોજ ચૂકાદો આપશે. સવારે 10.30 વાગે જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચ કામગીરી શરુ કરશે. બેન્ચે 40 દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ સાંભળ્યા બાદ 16 ઓક્ટોબરે ચૂકાદો અનામત રાખ્યો હતો.ચુકાદા અગાઉ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઈની ઉતર પ્રદેશના મુખ્ય સક્રેટરી આર .કે. તિવારી, ડીજીપી ઓમપ્રકાશ સિંહ સહિત ઘણાં વરિષ્ઠ અધિકારીઓએ મુલાકાત કરી સ્થિતિની સમીક્ષા કરી લીધી છે. સુપ્રિમ કોર્ટના ચુકાદાના પગલે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.

ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે તથા હેડ ક્વાટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે.દેશના તમામ રાજયોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. બંને સમાજના આગેવાનો તરફથી કોમી એકતા અને ભાઇચારાનું વાતાવરણ બનાવી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. ભારે ઉત્તેજના વચ્ચે સુપ્રિમ કોર્ટના ચુકાદાની રાહ જોવામાં આવી રહી છે.