અરવલ્લી: બાયડ નજીક સુજલામ સુફલામ કેનાલમાં કાર ખાબકતા ચાલક યુવકનું મોત

અરવલ્લી જિલ્લાના બાયડ નજીક બોરલ-દેસાઈપુરા કંપા નજીક સુજલામ-સુફલામ કેનાલ નજીકથી પસાર થતી કાર કેનાલમાં ખાબકી હતી, પરંતુ કાર ચાલક યુવક કારમાંથી બહાર ન નીકળી શકતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે લોકો દોડી આવી કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. બનાવની જાણ બાયડ પોલીસને થતાં ઘટના સ્થળે પહોચી યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, ધનસુરા ગામના હેમંત પંડ્યા નામનો યુવક ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતો હોય જે કાર લઈ ફાયનાન્સ કંપનીના કામકાજ અર્થે બાયડના ગ્રામ્ય વિસ્તારમાંથી પરત ફરતા સમયે બોરલ-દેસાઈપુરા કંપા નજીકથી પસાર થતી પાણીથી છલોછલ સુજલામ સુફલામ કેનાલમાં એકાએક કાર ખાબકતા યુવક કારમાંથી બહાર નીકળી ન શકતા કારમાં જ મોત નીપજ્યું હતું. અહીંથી પસાર થતા લોકોએ કારને કેનાલમાં ખાબકતી જોતા લોકોએ કેનાલમાંથી દોરડા બાંધી ભારે જહેમત બાદ કારને બહાર કાઢી કારની અંદરથી કાર ચાલક યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક હેમંત પંડ્યાના પરિવાજનો અને સગા સંબંધીઓ ઘટના સ્થળે પહોંચી આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ જતાં ધનસુરા-બાયડ પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. બાયડ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.