/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/044.jpg)
અરવલ્લી જિલ્લામાં કડક દારૂબંધી હોવાના દાવા કરાઈ રહ્યા છે, બીજીબાજુ અરવલ્લી જિલ્લામાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં માંગો તે બ્રાન્ડ નો વિદેશી દારૂ મળી રહ્યો હોવાની બાતમીને આધારે જિલ્લામાં વિજિલન્સની ટીમએ મેઘરજમાં દરોડા પાડ્યા હતા. જિલ્લા પોલીસતંત્ર અને સ્થાનિક પોલીસતંત્રની નાકનીચે મેઘરજ નદીના પુલના છેડે વિદેશી દારોનો મોટાપાયે અડ્ડો ચલાવતા રમેશ અરજનભાઈ ડામોરના બાંઠીવાડાગામે સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી હતી. વિજિલન્સની ટીમએ રૂપિયા 2,41,206નો વિદેશી દારૂ સાથે બુટલેગરને દબોચી લીધો છે. સ્ટેટ વિજિલન્સની તપાસ દરમિયાન રાજસ્થાનના સરથુના અન્ય બે બુટલેગર ભાગવામાં સફળ રહેતા મેઘરજ પોલિસએ બન્ને બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ મેઘરજ નદીના કાંઠે ખુલ્લેઆમ વિદેશી દારૂનો ઠેકો ચલાવતા અને રાજ્યમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવતા રમેશ નામના બુટલેગર ઘરે સ્ટેટ વિજિલન્સ ગાંધીનગરની ટીમે સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસવડા મયુર પાટીલને ઉંઘતા રાખી રેડ પાડતા જિલ્લા પોલીસતંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જિલ્લા પોલીસવડા મયુર પાટીલ મેઘરજ પોલીસ સ્ટેશને પહોંચી સ્થાનિક પોલીસ અને જિલ્લાની પોલીસ તંત્રની કામગીરીનો તાગ મેળવવા કવાયત હાથધરી હતી. મેઘરજના સામાન્ય માણસ ને પણ રમેશના વિદેશી દારૂના ઠેકાની ખબર છે ત્યારે સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસતંત્રની વિવિધ એજન્સીઓ કઈ રીતે અજાણ હોઈ શકે...? તે નવાઈ ઉપજે છે.
સ્ટેટ વિજિલન્સની ટીમએ જિલ્લા પોલીસતંત્રને ઊંઘતી રાખી મેઘરજ નજીક આવેલા તેના બાંઠીવાડા (અજુ હિરોલા) ગામે ત્રાટકી રમેશને દબોચી લઈ તેના ઘરેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-૨૩૮૪ કિ. રૂ.૨૪૧૨૦૬ તથા પીક-અપ વાન કીં.રૂ.૧૦૦૦૦૦/- અને મોબાઈલ નંગ-૩ કીં.રૂ.૨૦૦૦/- મળી કુલ રૂ.૩૪૩૨૦૬/- નો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ રેડ જોઈ રાજસ્થાન સરથુના ના અંબાલાલ અને પ્રકાશ નામના બુટલેગર ભાગવામાં સફળ રહેતા ત્રણે શખ્શો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ મેઘરજ પોલીસને સુપ્રત કરતા મેઘરજ પોલીસે ફરાર બંને શખ્શોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.