/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/IMG_4027.jpg)
ડાંગ જિલ્લા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત આજે તા.૭/૮/૨૦૧૯ ના રોજ સાતમા દિવસે ડાંગ દરબાર હોલ, આહવા ખાતે મહિલા શિક્ષણ દિવસ ઉજવણી જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ.પવારની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ મહિલાઓના શિક્ષણ અંગે જણાવ્યું હતું કે આપણાં ડાંગ જિલ્લામાં મહિલાઓ શિક્ષણમાં અવ્વલ નંબરે છે જે અભિનંદનને પાત્ર છે. સમાજને શિક્ષિત બનાવવા માટે પાયાનું શિક્ષણ અગત્યનું છે. દિકરીઓ બે કૂળને તારે છે અને એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. આ ઉક્તિ અનુસાર મહિલાઓમાં ખૂબ શક્તિ રહેલી છે. વિકાસના સોપાન સર કરવા માટે શિક્ષણ મેળવવુ આપણી પહેલી જરૂરિયાત છે.
જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાએ સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે મહિલાઓમાં બધીજ સમજશક્તિ રહેલી છે. આખો સંસાર મહિલાઓ વગર ચાલતો નથી. આજે રાજકિય, ઓદ્યોગિક, ખેલજગત, વિગેરે તમામ ક્ષેત્રે મહિલાઓ ડંકો વગાડી રહી છે. કારણ કે તેઓમાં નમ્રતા,દયા,ત્યાગ જેવા મહાન સદ્ગુણો ધરાવે છે.આપણે શિક્ષણથી જ અલગ ઓળખ મેળવી શકીએ છીએ.એટલે સ્ત્રીઓ પોતાના સામર્થ્ય નો વિકાસ કરે.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને મહિલા સશક્તિકરણ પખવાડિયાના નોડલ અધિકારી ર્ડા.મેઘા મહેતાએ તમામ દિકરીઓને આરોગ્ય જાળવવાની હિમાયત કરી હતી.સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્યા શ્રીમતિ હેતલ રાઉત અને રોજગાર કચેરીના કાઉન્સિલર ભાવનાબહેન ગામીતે મહિલા શિક્ષણ દિવસ નિમિત્તે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ નોધપાત્ર દેખાવ તેમજ કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવનારી દિકરીઓનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. એ.મો.રેસી.સ્કુલ આહવાની બાલિકાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજુ કર્યા હતા.
આ પ્રસંગે સમાજ સુરક્ષા અધિકારી જિજ્ઞેશ ચૌધરી,દહેજ પ્રતિબંધક અધિકારી એસ.ડી.સોરઠીયા, ફિલ્ડ ઓફિસર વિકેશ ચૌધરી, તમામ શાળાના આચાર્યો,શિક્ષણ વિભાગના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.