/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/629333-rupani-vijay-120217.jpg)
રશિયાના ટૂંકા પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવારે બપોરે ગાંધીનગર પરત આવ્યા હતા. ગુજરાતના રશિયા સાથેના વ્યાપારી સંબંધો આવતા દિવસોમાં વધુ મજબૂત બનશે, એવો આશાવાદ, મુખ્યમંત્રીએ રશિયાની ત્રણ દિવસની વિઝિટ બાદ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી રૂપાણી રશિયાના પ્રવાસની બાદ કહે છે કે, રાજ્યના કંડલા બંદરેથી રશિયામાં હીરાની મોટાપાયે નિકાસ થાય છે અને સામે લાકડાની આયાત થાય છે. રશિયામાં ડાયમંડ અને ટિમ્બરના વ્યાપાર માટે ખૂબ ઉજળી તકો છે. ગુજરાત અને રશિયા વચ્ચે એક એમઓયુ કરાયો છે અને હજી પણ ઘણી તકો રહેલી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રશિયા સાથે ભારતના સંબંધો પહેલેથી જ સારા રહ્યા છે અને ત્રણ દિવસની સફળ યાત્રા બાદ બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો નવી ઊંચાઇ પ્રાપ્ત કરે તે માટે અનેકવિધ આયામો-પ્રયાસો કરાયા છે. ગુજરાતીઓનો રશિયામાં વિશેષ પ્રભાવ હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વાલ્ડીવૉસ્ટોક પ્રાકૃતિક સંપદાથી ભરપુર છે. ત્યાં પ્રાકૃતિક ડાયમંડ, ગોલ્ડ, ઑઇલ, ગેસ ક્ષેત્રે વ્યાપારની મોટી તકો રહેલી છે.
આફ્રિકા અને મધ્યપૂર્વના દેશોમાં જે પ્રમાણે આપણો વ્યાપાર વિસ્તરેલો છે તે રીતે રશિયામાં પણ ગુજરાતીઓ વ્યાપાર, ઉદ્યોગ ક્ષેત્રે પ્રગતિ કરી શકે તેવી સંભાવનાઓ છે. રશિયાના લોકોની લાગણી છે કે, ગુજરાતના ઉદ્યોગપતિઓ રશિયામાં આવી ઉદ્યોગ-વ્યાપાર કરે અને પરસ્પરના વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બનાવે, એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.