ગુજરાતમાં તેરમી સદી સુધી સોલંકી તેમજ વાઘેલા વંશનું રાજ્ય હતું. કુદરત, પ્રકૃતિ અને પ્રકૃતિના સર્જનહાર ભારતીય પરંપરામાં હમેશા પૂજ્ય રહ્યા હતાં. કાળક્રમે તેમને શીવ કે વિષ્ણુ સ્વરૂપમાં સ્વીકારી લેવામાં આવ્યાં. આમ છતાં આજે પણ પ્રકૃતિના સર્જક દેવદેવીઓનું મહત્વ અકબંધ રહ્યું છે. સૌરાષ્ટ્ર તેમજ અન્ય નાના મોટા ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં રાજપૂત રાજ્યો હતા. આ સમયે ગુજરાતમાં સૂર્ય પૂજા તેમજ બ્રહ્માની પણ પૂજા થતી હતી. જો કે મુખ્ય દેવતા તરીકે મહાદેવનું અનેરું મહત્વ હતું. ભગવાન કૃષ્ણના સ્થાન તરીકે દ્વારકા વિશેષ મહત્વ ધરાવતું હતું. ચૌદમી સદી પછી ભક્તિ યુગના પ્રારંભ સાથે વિષ્ણુ પૂજાનું મહત્વ વધવા લાગ્યું હોવાની માન્યતા પ્રવર્તે છે. આ જ ગાળામાં સિદ્ધપુરમાં મૂલનારાયણ તેમજ વર્ષ ૧૧૪૦માં દાહોદમાં ગોનારાયણનું મંદિર અસ્તિત્વમાં આવ્યું હતું.

આ ગાળામાં સૂર્યપૂજા વધુ થતી હતી. મોઢેરાનું સૂર્ય મંદિર પ્રતિતિ કરાવે છે કે સૂર્ય મંદિર અદ્ભુત કલાત્મકતા સાથે બનાવવામાં આવ્યા હતાં. સૂર્ય મંદિરનું મુખ્ય કેન્દ્ર મૂલતાન કહી શકાય, પણ આ મંદિરની પ્રતિકૃતિ સૌરાષ્ટ્રમાં થાનનું સૂર્ય મંદિર તેમજ વીજાપુરનું સૂર્ય મંદિર કહી શકાય. બારમી સદીમાં લાવવામાં આવેલી સૂર્યની ચંપાના કાષ્ઠની મૂર્તિનું આજે પણ પાટણના મહાલક્ષ્મી મંદિરમાં ચંપાના તેલથી પૂજન થાય છે. સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ પાસે અને કુમારપાળે પ્રભાસ પાટણમાં સૂર્ય મંદિર બનાવ્યું હતું. ખંભાતમાં સૂર્યપત્ની રત્ના દેવીનું મંદિર છે, તો કાળક્રમે સૂર્ય એજ વિષ્ણુનું સ્વરૂપ છે આ માન્યતા મુજબ વચ્ચે સૂર્ય તેમજ એક તરફ શિવ અને બીજી તરફ બ્રહ્મા હોય તેવી ત્રિમૂર્તિના મંદિરો અસ્તિત્વ ધરાવવા લાગ્યાં હતાં.

ગુજરાતમાં આજે પણ રાંદલમાનું ખાસ મહત્વ છે. રાંદલમા કહો કે રન્નાદે, રન્નાદેવી, રાજ્ઞીદેવી….આ બધાં સૂર્યપત્નીના સ્વરૂપ આજે પણ પ્રચલિત છે. સૂર્ય પુત્ર રેવંત લોકમાનસ તેમજ લોકસાહિત્ય વિરતાના પ્રતિક તરીકે હમેશા સ્થાન શોભાવે છે.

જે રીતે આજે ગણપતિ ઉત્સવમાં ગણપતિના અકલ્પનિય અને અદભૂત સ્વરૂપો તૈયાર કરવામાં આવે છે, એ જ રીતે સૂર્યના પણ સ્વરુપો તે કાળમાં પ્રચલિત થયા હશે. સૂર્યની પ્રતિમામાં ઇરાન અને ગ્રીક સ્થાપત્યની અસરો જોવા મળે છે.  જગતનો આત્મા ગણાતા સૂર્યની ધાત્, અર્યમન્,રુદ્ર, વરુણ, સૂર્ય, ભગ,વિવસ્વત્, પૂષન્, સવિતા, ત્વષ્ટ અને વિષ્ણુ જેવા બાર સ્વરૂપે પુજાતા સૂર્ય મંદિરમાં અનેક વૈવિધ્ય હતું. કેટલાક સમાજોમાં રાતા ફૂલો અને રાતા કલરના તિલક વડે પૂજાતા સૂર્ય શરીરમાં થતાં કોઢના નાશ માટે પૂજન થતું. મૂળ ધગધગતો ગોળો સ્વરૂપ સૂર્યની મૂર્તિ સાથે વિદેશી સંસ્કૃતિના સૂર્ય પૂજનને કારણે વૈવિધ્યતા આવી, જેના ફલસ્વરુપે સાત ઘોડાવાળા રથ સાથે સૂર્યની ભવ્ય પરિકલ્પના આવી. સાત ઘોડા સાથે રથ, રથમાં કમળ પર આસન અને બંને હાથમાં કમળ હોય એવા પણ સૂર્ય દેવતા કલ્પવામા આવ્યાં અને પગમાં જૂતાં પણ પહેરીને આવ્યાં હોય. સૂર્ય ઘણી પ્રતિમાઓમાં ચાર હાથથી રથ ચલાવતા હોય તો અરુણ નામનો સારથી રથ ચલાવતો હોય. ઉષા અને પ્રત્યુષા હાથમાં તીરકામઠા લઇને ઉભા છે,  માનવજાતમાં વ્યાપેલા અંધકારનો નાશ કરવા…બે અથવા ચાર પત્નીઓ રાજ્ઞીદેવી, રિક્ષુભા, છાયા અને સુવર્ચસા….પ્રકૃતિના પ્રતીક દર્શાવે છે. સૂર્યના હાથમાં રહેલા કમળ પ્રત્યેક દિવસ નવો અને તાજા ફૂલ જેવો પ્રફુલ્લિત છે. દુઃખના કીચડમાં પણ દરેક દિવસ નવી આશા અને ઉમંગ લઈને આવે છે. આ મહીના સાતે દિવસો અને બંને પખવાડિયા માટે છે. સાત અશ્વો સાત વાર અને રથના બે પૈડા બે પખવાડિયા દર્શાવે છે. રથની નીચે અંધકાર દર્શાવવામાં આવતો. રથના આવવા સાથે જ પૃથ્વીનો વ્યાપ્ત અંધકાર દૂર થાય છે. સૂર્યની આ પ્રતિમા માનવજીવનના અસ્તિત્વનું દર્શન કરાવે છે. સૂર્યની બે બાજુ દંડ અને પિંગલ નામના અનુચર છે, જેની પાસે ખડિયો, કલમ અને દંડ છે. રોજનો હિસાબ… પણ વાત સૂર્યની… બખ્તર સાથે લડાયક યોધ્ધા એટલે સૂર્ય. લશ્કરી જોડા પહેરેલા એક માત્ર હિન્દુ પરંપરાના દેવ એટલે ભગવાન સૂર્ય. ભગવાન સૂર્યની જનોઈ પણ પારસીઓ પહેરે તેવી…ઇરાનથી ગ્રીસ સ્થાપત્યોની અસર કહી શકાય.

બ્રહ્મા ની વાત આવે એટલે નજર સામે માત્ર પુષ્કર જ આવે પણ હજાર વર્ષ પહેલા ગુજરાતમાં ઠેર ઠેર પુષ્કર હતાં. અંબાજી પાસે ખેડબ્રહ્મામાં આજે પણ ચતુર્ભુજ બ્રહ્મા પૂજવામાં આવે છે. મિયાણી, હારિજ, થરાદ, વડનગર, વીસનગર…આ તમામ સ્થળ પર બ્રહ્મા પૂજન સામાન્ય હતું.

ભરુચના સામવેદી બ્રાહ્મણ હરિપાલદેવ કે જેમણે સન્યસ્ત લઈને ચક્રધર નામ સ્વીકારી મહાનુભવ નામનો સંપ્રદાય બનાવ્યો હતો. તેરમી સદીમાં ભરુચના પ્રતાપી રાજા મલ્લદેવના નિકટતમ સાથી વિશાલદેવના પુત્ર હતાં. ગુજરાતમાં જન્મેલા સંતો ગુજરાતમાં ખાસ લોકપ્રિય થયા નથી, પણ બહારના વધુ લોકપ્રિય થયા છે, એ જ રીતે ચક્રધર વિદર્ભમાં જાણીતા બન્યા હતાં. આ જ ગાળામાં માણસ વીરતા સતત યાદ રાખે અને ક્યારેય મૃત્યુ થી ભય ન પામે તે માટે ગુજરાતમાં યમના અસંખ્ય મંદિરો હોવા સાથે પૂજન કરવામાં આવતું હતું…. જો ડર ગયા, સમજો મર ગયા… પણ મંદિરમાં જ કલાત્મકતા સાથે યમની પ્રતિમાઓ હોય તો ડર કોનો?…પ્રકૃતિથી મૃત્યુના સ્વીકાર નો સૌંદર્યયુક્ત યુગ….દુશ્મન શક્તિશાળી હોય તો પણ લડાયક ઝનૂન તો યમનો ડર ભગાવીને જ કરાય…. એ ગુજરાતીને આપણે યમાંજલિ જ આપવી પડે..

Deval Shastri

Blog By Deval Shastri

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here