Connect Gujarat
ગુજરાત

ગુણોત્સવ-8નું પરિણામ જાહેર, રાજ્યમાં A+ અને A ગ્રેડની શાળાઓમાં થયો વધારો

ગુણોત્સવ-8નું પરિણામ જાહેર, રાજ્યમાં A+ અને A ગ્રેડની શાળાઓમાં થયો વધારો
X

સરકાર દ્વારા સંચાલિત પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓનાં 48 લાખથી વધુ બાળકોનું થયું હતું મૂલ્યાંકન

રાજ્યની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે સરકાર દ્વાર ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગુણોત્સવ- ૮ નું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યુ હતું. સરકારનો દાવો છે કે શિક્ષણમાં ગુણાત્મક સુધારાણામાં સરકારના પ્રયાસોને સફળતા મળી છે. જેમાં એ પ્લસ ગ્રેડની શાળાઓ ૨૧૧૭થી વધીને હવે ૩૨૦૭ અને એ ગ્રેડમાં પણ ૧૭૬૫૩થી વધીને ૨૨૪૩૬ થઈ છે. જ્યારે બી ગ્રેડની શાળાઓ ૧૨૫૫૬થી ઘટીને ૭૬૨૯, Cગ્રેડની શાળાઓ ૧૬૧૩થી ઘટીને ૭૭૪ અને D ગ્રેડની શાળાઓ ૩૦૦થી ઘટીને ૧૮૧ નોંધાઈ છે.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુણોત્સવમાં તમામ પ્રાથમિક શાળાઓનું વિશિષ્ટ રીતે બે બાબતોનું મુલ્યાંકન થાય છે. બાળકોની સિદ્ધિ અને શાળાઓની સહ અભ્યાસ પ્રવૃત્તિઓ તથા શાળાના સંશાધનોનો ઉપયોગ બાળકોની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે છે. ૨થી ૮ના લગભગ તમામ ૪૮ લાખથી વધુ બાળકોની વાચન, લેખન અને ગણન ક્ષમતાઓનું મૂલ્યાંકન કરાયું હતું. જ્યારે ધો. ૬થી ૮માં તમામ ૨૧ લાખથી વધુ બાળકોનું તેમના ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષા જેવા વિષયોને આવરી લઈને ઓએમઆર પદ્ધતિથી મૂલ્યાંકન કરાયું હતું.

વધુમાં શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુણોત્સવના પરિણામને આધારે ગ્રેડ આપવામાં આવે છે. જેમાં ૬૦ ટકા ગુણભાર બાળકોની શૈક્ષણિક સિદ્ધિ અને ૪૦ ટકા ગુણભાર અભ્યાસ પ્રવૃત્તિ વગેરેને આપવામાં આવે છે. સફળતાના આવા દાવાઓ વચ્ચે વાસ્તવિકતા એ પણ છે કે અમદાવાદ સહિતના મોટા ભાગની શહેરોની શાળાના હજારો બાળકોને આજે પણ યોગ્ય રીતે લેખન- વાંચન અને ગણન આવડતું નથી. ઘણી શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી. અનેક શાળાઓમા જુદા જુદા વર્ગના બાળકોને એક સાથે બેસાડીને શિક્ષક તેમને ભણાવે છે. કારણ કે શિક્ષકો પૂરતી સંખ્યામાં નથી. ગુણોત્સવના પેપરો છપાવવામાં પણ ભ્રષ્ટાચાર અને છબરડાઓની બૂમ ઉઠી હતી.

Next Story